Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે વૈરાગ્ય કે વિરકિત શું છે ?
વૈરાગ્ય એ શબ્દ કોઈ જૈન પૂરતો સીમીત નથી. પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. કોઈપણ સંપ્રદાય, ધર્મ કે ઉપાસના, પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે, વૈરાગ્ય સાથે સંબંધ ધરાવે છે, વૈરાગ્યની જ વાત કરે છે. ભારતવર્ષનો સાધારણ અભણ માણસ પણ વૈરાગ્ય શબ્દનો વપરાશ કરે છે અને વૈરાગ્ય ભાવને સમજે છે, સાધુ સંતો કે ધાર્મિક માણસોમાં વૈરાગ્ય હોવો જોઈએ તેવી તેની કલ્પના છે. કહેવાનું તાત્પર્ય છે કે વૈરાગ્ય શબ્દ ઘણોજ વ્યાપક છે. સાધનાની પહેલી સીડીમાં પણ વૈરાગ્ય હોય છે અને અંતિમ બિંદુ પર પણ વૈરાગ્ય હોય છે. વૈરાગ્યની એક અદ્ભુત અમૃત ભરેલી સાંકળ છે. સાધારણ ઓઘડ બાવાઓ પણ પોતાને વૈરાગી કહેવડાવે છે. ઉચ્ચ કોટિના સાધુ સંતો પણ વૈરાગ્યનો આશ્રય કરી સાધુજીવનનો વિસ્તાર કરે છે. આમ બહોળી નજરે જોતાં વૈરાગ્ય કણ કણમાં, નસ નસમાં, ધર્મની સાક્ષી આપવા માટે વ્યાપ્ત થયેલો છે. - વૈરાગ્યના બે પાસા છે. પાંચે ઈન્દ્રિયો તે પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ છે, યોગેન્દ્રિયો પણ છે, ભોગેન્દ્રિયો પણ છે અને સાધનાક્ષેત્રમાં તે પાંચે યોગેન્દ્રિયો પણ છે. જૈન તત્ત્વજ્ઞાનમાં ઈન્દ્રિયોના વ્યાપારને છૂટા પાડવામાં આવ્યા છે. જ્યારે ઈન્દ્રિયો ભોગ ઉભુખ હોય ત્યારે તે વિષયનો સ્પર્શ કરે છે. તે જ ઈન્દ્રિયો જયારે ભોગથી પરાડમુખ થાય, ત્યારે વૈરાગ્યભાવ પ્રગટે છે. સાધનાના વિરોધી બે મહાતંભ છે કષાય અને વિષય. કષાય છે તે આધ્યાત્મિક દોષ છે, જ્યારે વિષય છે તે ઈન્દ્રિયજન્ય આસકિતનો પ્રભાવ છે. વિષય અને કષાય બને સહચારી છે. કષાયજનિત વિષય અને વિષયજનિત કષાય. કષાયનું મૂળ તત્ત્વ મોહ છે. મોહના બે પ્રમુખ કેન્દ્ર છેઃ રાગ અને દ્વેષ. ઈન્દ્રિય વિષયમાં રમણ કરે ત્યારે તે રાગ કહો કે અનુરાગ કહો. તેનાથી પ્રેરિત હોય છે. આમ વિષયથી ઉન્મુખ થવા માટે રાગનો વિરોધ આવશ્યક છે. તેને તાત્ત્વિક રીતે વિરાગ કહેવામાં આવે છે. રાગએ વિષયને અનુકુળ છે, જ્યારે વિરાગ એ વિષયથી વિમુખ છે. આમ રાગ અને વિરાગ બને વિધિ નિષેધ જેવી ક્રિયા છે. રાગનો નિષેધ એ વિરાગ છે અને વિરાગને પ્રાપ્ત કરવા માટે જે કાંઈ જ્ઞાન ધ્યાન સાધના કરવામાં આવે તે બધું વૈરાગ્યની કોટિમાં આવે છે.
આવશ્યક ખુલાસો : અહીં વૈરાગ્યની જે વાત કરી છે તેનું લક્ષ વિષય રૂ૫ છે, પરંતુ ઘણીવાર વિષયને મૂકીને પણ રાગ સંભવે છે. જેમ કે ગુરુઓનો રાગ, શાસ્ત્ર પ્રત્યેનો અનુરાગ, માતાપિતા પ્રત્યેનો સ્નેહ, મંદિર કે ધર્મપ્રત્યે અનુરાગ અથવા એવા કોઈ પણ શુભ કાર્યો પ્રત્યે પણ આસકિત હોય છે. તો શું આ રાગને ટાળવા જેવો છે? અથવા આ પ્રકારના રાગ શું રાગની કોટિમાં આવે છે ? શું આ ક્ષેત્રમાં પણ વૈરાગ્ય આવશ્યક છે ? મૂળ શાસ્ત્રોમાં, સાધનામાં કે જૈનદર્શનમાં આ બાબતનું સ્પષ્ટ નિરાકરણ મળતું નથી. પાછળથી આચાર્યોએ મીમાંસા કરી, રાગના બે સ્પષ્ટ ભાગ કર્યા અને શુભ રાગ, અને અશુભ રાગ એમ બે નામ આપવામાં આવ્યા, જેને શાસ્ત્રીય ભાષામાં પ્રશસ્તરાગ અને અપ્રશસ્તરાગ એવા શબ્દોથી સંબોધન કરવામાં આવ્યું છે. જેમ મા–બાપ પ્રત્યે ભકિતભાવ અથવા મા–બાપ પ્રત્યે અનુરાગ એ શું રાગ ગણાય? રાગ વગર સેવા થઈ શકતી નથી, તેથી આ રાગને પ્રશસ્ત રાગ કહેવામાં આવ્યો. ધર્મના પુસ્તકો સાચવીને ન રાખે અને તેના પ્રત્યે મમતા ન હોય તો અશાતના પણ થાય છે, આ બધી શાસ્ત્રીય ભકિત પણ પ્રશસ્ત રાગની કોટિમાં આવે છે.