Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
વાત કરી છે? પરંતુ ઉપર્યુકત વ્યાખ્યા પ્રમાણે સમગ્ર માયાવી તત્ત્વ બંધ તત્ત્વમાં આવી જાય છે અને સમગ્ર મુકિતના ભાવો મોક્ષ તરીકે તો પ્રસિદ્ધ છે જ. મોક્ષ તો વિશ્વવ્યાપી તત્ત્વ છે. જેના દષ્ટિએ મોક્ષની વ્યાખ્યા કરીએ તો અનંત કાળ માટે આત્મા પરિશુદ્ધ થઈ પરમાત્મા રૂપે સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર બની પરમ સુખમાં રમણ કરતો રહે છે અને બધા આત્માઓ આ પરમાત્મા રૂપે શુદ્ધ સાધનાના બળે તેમાં અંતર્ગત થઈ જાય છે. અહીં કલ્પનાવાદની વાત જે કરી છે તે સાધારણ જૈન સમાજને લાગુ પડતી નથી, કારણ કે જૈન સમુદાયમાં મોક્ષ અને બંધને કાલ્પનિક કહેનારો વર્ગ છે જ નહીં. ફકત બીજું ચરણ જૈન ઉપાસકોને લાગુ પડે છે. જેમાં બંધ મોક્ષની કોરી વાતો કરનારા સાધુ સમુદાયમાં કે ભકત સમુદાયમાં માણસો મળી આવે છે. એટલે અહીં પ્રથમ ચરણને બીજા ચરણથી એકદમ છૂટું પાડવું રહયું. પ્રથમ ચરણ તે વિશ્વમાં વર્તતા નાસ્તિકવાદને અનુલક્ષીને છે અથવા માનવ સમુદાયમાં રહીને પણ નાસ્તિક બની જે માણસો જીવન ધારણ કરે છે, તેને અનુલક્ષીને આ પદનું ઔચિત્ય જણાય છે.
બંધ અને મોક્ષ તે કલ્પના છે. એમ કહેવાનું તાત્પર્ય પૂર્વજન્મ કે પશ્ચાતુજન્મ. આમ જીવ જન્માંતર કરે છે તેનો પણ વિરોધ થાય છે. ઘણા લોકો એવા પણ છે કે જે જન્માંતરને માનતા નથી. આજનો વૈજ્ઞાનિક યુગ પણ જન્માંતરના સ્વીકાર સુધી પહોંચ્યો નથી પરંતુ નાસ્તિકવાદ સ્પષ્ટપણે જન્માંતરનો વિરોધ કરે છે. જે બંધને કાલ્પનિક માને છે. તે પરોક્ષ રીતે આત્માને પણ કાલ્પનિક માને છે અને પુણ્ય પાપને પણ કાલ્પનિક માને છે. વધારે કહીએ તો ધર્મ અધર્મને પણ કાલ્પનિક સમજે છે, અને એ જ રીતે આ સૃષ્ટિને છોડી અન્ય સૃષ્ટિને પણ કાલ્પનિક માને છે. આ રીતે બંધ મોક્ષને કાલ્પનિક કહીને અહીં સિદ્ધિકારે પરોક્ષભાવે નાસ્તિકવાદનો ઉલ્લેખ કર્યો છે. અસ્તુ.
પુનઃ આપણે પ્રશ્ન એ કરશું કે બંધને મુખ્ય સ્થાન આપ્યું છે, તો અહીં બંધ તત્ત્વ શું છે? બંધ અને બંધન બન્ને એક છે કે ભિન્નતા છે ? બંધની વ્યાખ્યા કરતી વખતે તેના નિશ્ચિત કારણોની વ્યાખ્યા પણ આવશ્યક છે અને તે જ રીતે બંધની સૂક્ષ્મતા, સ્થૂળતા, આકાર, વિકાર, ક્ષેત્ર અને તે સ્વતંત્ર છે કે પરતંત્ર, આ બધા વિચારો ઘણા જ મહત્વપૂર્ણ છે વિશ્વના અન્ય ધર્મ સંપ્રદાયોએ પુણ્ય અને પાપ અથવા સત–અસત્ કર્મ કહીને સામાન્યભાવે પાપ પુણ્યના યોગને કોઈએ બંધ કહ્યો નથી. આ બંધ' શબ્દ પારિભાષિક શબ્દ છે. ખાસ કરીને જૈનદર્શનમાં કે ધર્મમાં બંધ' શબ્દની એક નિરાળી જ વ્યાખ્યા છે. કદાચ આ ધરાતલ પર કોઈપણ સંપ્રદાયે પાપ પુણ્યની આટલી તીવ્ર ઊંડાઈથી એક એક વાળ જેટલી ગણતરી કરી જે અલૌકિક વ્યાખ્યા કરી છે, તે કદાચ કોઈ પણ વૈજ્ઞાનિક આટલી સૂક્ષ્મ વ્યાખ્યા કરી ન શકે તેવી અદ્ભુત વ્યાખ્યા છે અને જેનું સાંગોપાંગ વિવરણ આપ્યું છે. બંધ' શબ્દમાં સમગ્ર કર્મવાદ આવી જાય છે. અહીં આપણે સંક્ષેપ ભાવે બંધ તત્ત્વની ઝાંખી કરાવશે.
કર્મનું નિર્માણ : આ સ્થળ જગતથી અદશ્ય એવું એક વિશાળ સૂક્ષ્મ જગત અસ્તિત્ત્વ ધરાવે છે. જેના બે સ્થાયી સ્તંભ છે અને બે ગતિશીલ તત્ત્વો છે. (૧) ચૈતન્ય તત્ત્વ અને પરમાણુ ગતિશીલ તત્ત્વ છે, જ્યારે આકાશ અને કાળ એ વિશ્વના સ્થાયી સ્તંભ છે. આ બધા તત્ત્વો સ્થૂળ ભાવે જેને જૈન ધર્મમાં બાદરભાવ કહે છે, તે દશ્યમાન છે. જ્યારે પરમાત્મા જેવી અદ્દશ્યમાન તત્ત્વો, અતિ સૂક્ષ્મ જ્ઞાનથી પ્રત્યક્ષ થાય છે. આમ દ્રશ્ય અને અદ્રશ્ય એવી બે વિશાળ સૃષ્ટિ