Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ત્યારપછી ઉપજતી નિર્મળ કરૂણા, આ ચાર તત્ત્વ પ્રધાન છે. ચારમાં ત્રણ તત્ત્વો પરિહાર્ય અથવા હેય તત્ત્વો છે, છાંડવા જેવા, છોડવા જેવા છે અને તે જ્ઞાનીના નિશાન ઉપર છે. આડી અવળી બીજી વાત ન કરતા આ ત્રણેય મહાબંધનની ત્રિપુટી તોડવાનો પ્રયાસ, એ ભગીરથ પ્રયાસ છે. ચોથુ તત્ત્વ તે માધ્યમ અથવા ઉપકરણ છે. આ ઉપકરણનો પ્રયોગ કરનાર જીવાત્મા કે શુદ્ધ આત્મા તે નિત્ય છે જેનું આ ગાથામાં વર્ણન થયું નથી. પરંતુ હેય તત્ત્વોને ટાળવા માટે સર્વ પ્રથમ કરૂણારૂપ ઉપકરણ આગળ આવ્યું છે. જો કરૂણા ન ઉપજે તો આવો નિર્મળ ઉપકાર કરવાની ભાવના જ ન જાગે. તેથી અહીં સિધ્ધિકારે મુખ્ય ઉપકરણ કરૂણાનો જ સ્પર્શ કર્યો છે. ગાથાને સમજનાર વ્યકિતએ આ ચારેય ભાવોની ગુણવત્તાને પારખવી જોઈએ. ક્રિયાજડતા તે જ્ઞાનનો અભાવ સૂચવે છે, શુષ્કજ્ઞાન તે જ્ઞાનનો અતિરેક બતાવે છે અને વિપરીત માન્યતા તે આ બન્નેનું કુફળ બતાવે છે. જેમ છેડામાં ગાંઠ પડે તો સોયના નાકામાંથી પાર ન થાય, તેમ વિપરીત માન્યતાની ગાંઠ પડે તો સરલ રસ્તો અવરોધાય. આ વિપરીત માન્યતાનું જે લક્ષ બતાવ્યું છે તે મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ ઉત્તમ છે, પણ માન્યતા અવળી છે. અવળી માન્યતાને આધારે મોક્ષમાર્ગ અવરોધાય છે. જેમ દર્પણના કાચમાં ચકલી અજ્ઞાનના કારણે ચાંચ મારે અથવા કાચની બોટલમાં રહેલી માખી સામે આકાશ દેખાય છે છતાં આવરણને કારણે મુકત થઈ શકતી નથી. એમ મોક્ષમાર્ગ સ્વચ્છ હોવા છતાં ખોટી માન્યતાના કારણે જીવ ગુંગળાય છે. આ પરિસ્થિતિ જોઈને મૂર્ખ માણસને હસવું આવે, પણ જ્ઞાનીઓને કરૂણા આવે. મૂર્ખ વ્યકિત બીજાના દુઃખોને જોઈ હસે અથવા તેની પરાધીનતા ઉપર અશ્રુપાત ન કરતા હાસ્યનો કટાક્ષ કરે. ત્યારે જ્ઞાની પુરુષને દયા ઉપજે, કરૂણા ઉપજે અને તેને સાચો માર્ગ બતાવવાની ઉત્કંઠા ઉપજે. તે આ ત્રીજી ગાથામાં સ્પષ્ટ થાય છે. ખરેખર આવી કરૂણા આ મહાયોગીને ઉપજી છે અને અજ્ઞાન ફલિત દુઃખોને મટાડવા માટે આત્મસિદ્ધિની સરિતા આગળ વહી છે જેનું હવે આપણે આચમન કરશું.
ર