Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
શુષ્કજ્ઞાન શું છે ? તે પણ સમજવું જોઈએ. જૈનદર્શનમાં પાંચ જ્ઞાન કહેલા છે. તેમાં મન:પર્યય તથા કેવળજ્ઞાન નિશ્ચિત રૂપે જ્ઞાન છે. જ્યારે મતિ, શ્રુત અને અવધિ આ ત્રણેય જ્ઞાનની બે અવસ્થા છે. જ્ઞાન અને અજ્ઞાન. અહીં આપણે ખાસ મહત્વપૂર્ણ વાતનો ઉલ્લેખ કરશું.
સાધારણ રૂપે અજ્ઞાનની બે અવસ્થા છે. તે લગભગ ઘણા ચિંતકને સ્પષ્ટ હોતી નથી. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જ્ઞાન ઢંકાયેલું રહે, ત્યાં તે જ્ઞાનનો અભાવ હોય તો તેને અજ્ઞાન કહેવાય છે. પરંતુ જ્ઞાનવરણીય કર્મનો ક્ષયોપશમ થયા પછી મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન સમ્યક્ નિર્ણયના અભાવે, યથાર્થ ભાવના અભાવે જ્ઞાન હોવા છતાં તે અજ્ઞાન કહેવાય છે. અહીં આપણે બે નામ સ્પષ્ટ રીતે આપીએ છીયે. (૧) ઉદયભાવી અજ્ઞાન અને (૨) ક્ષયોપશમભાવી અજ્ઞાન. સામે પડેલી દોરી કે સાપ એ બન્નેનો અભાવ, તે નેત્રહીન માણસ જોઈ શકતો નથી. કારણ કે તેને જ્ઞાનના સાધનનો અભાવ છે. આ ઉદયભાવી અજ્ઞાન છે. પરંતુ નેત્ર હોવા છતાં દોરીમાં સાપનું કે સાપમાં દોરીનું અયથાર્થ ભાન કરે તો તે ક્ષયોપશમભાવી અજ્ઞાન છે. ક્ષયોપશમભાવી અજ્ઞાનના સંશય, ભ્રમ કે વિપરીત નિર્ણય જેવા ઘણા તારતમ્ય ભાવો ઉદ્ભવે છે. આમ આ બીજી કોટિનું અજ્ઞાન તે ભ્રમાત્મક હોય છે. અહીં બુદ્ધિનો અથવા મતિજ્ઞાનનો કે શ્રુતજ્ઞાનનો વિશાળ ક્ષયોપશમ હોય, પરંતુ મોહાદિ કર્મના પ્રભાવે આખું તેનું આ જ્ઞાનતંત્ર અજ્ઞાન બની જીવને સંશય કે ભ્રમાત્મક ભાવોમાં રમાડે છે અને તે ભ્રમાત્મક ભાવોનું ફળ જીવને મુકત થવામાં જરાપણ ઉપકારી થતું નથી. આવા બૌધ્ધિક ભાવોને શુષ્ક અર્થાત્ કોરા અજ્ઞાનના ભાવો કહી શકાય.
અહીં શાસ્ત્રકારે શુષ્કજ્ઞાની એવો શબ્દ વાપર્યો છે. પરંતુ તર્કદષ્ટિએ શુષ્કજ્ઞાની સંભવતો નથી. ખરો શબ્દ શુષ્ક અજ્ઞાની મૂકવો જોઈતો હતો, કારણ કે આવા કોરા બૌધ્ધિક જીવોને જ્ઞાની કહીને સંબોધી શકાય નહિ. વાસ્તવિક રીતે, તે શુષ્ક અજ્ઞાની છે અને આ અજ્ઞાન કે ભ્રમ મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન પૂરતું સીમિત નથી, પરંતુ અવધિજ્ઞાનમાં પ્રવેશ કરી વિભંગજ્ઞાન રૂપે પણ . પરિણમે છે, ત્યાં પણ શાસ્ત્રકારે તેને વિભંગજ્ઞાની કહ્યો છે. પરંતુ ખરેખર તે પણ વિભંગ અજ્ઞાની છે. આ તો કટાક્ષ વાકય છે, જેમ કોઈ નિર્ધન પોતાને ધની માનતો હોય અને મોટી વાત કરતો હોય, તે વ્યકિત સભામાં આવે ત્યારે વ્યંગ ભાષામાં એમ કહેવાય કે મોટા શેઠ પધાર્યા (આવો આવો મોટા શેઠ.) પરંતુ આ શેઠ શબ્દ તેના માટે કટાક્ષ છે. કોઈ બુદ્ધિવાદી ભ્રમિતને મોટો વિદ્વાન ગણી સંબોધવામાં આવે તો તે પણ કટાક્ષ છે. વસ્તુતઃ પહેલો શેઠ તે મોટો નિર્ધની છે અને આ મોટો વિદ્વાન તે મૂરખ છે, એવો અર્થ કરવામાં આવે છે. તેમ અહીં શુષ્કઅજ્ઞાનીને જ્ઞાની કહીને એક પ્રકારનો ભંગ કરવામાં આવ્યો છે. અસ્તુ.
/આપણે અહીં શાસ્ત્રીય રૂપે આવા ભ્રમિત વ્યક્તિની વ્યાખ્યા કરી રહયા હતા. જો આવી સ્થિતિ જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ક્ષયોપશમ, મિથ્યાત્વ મોહનીયનો પ્રબળ ઉદય અને તેની સાથે ચારિત્ર મોહનીયનો ઉદય હોવાથી મોહની પ્રબળતા, આ ત્રિદોષ ભેગા થવાથી તે શુષ્કજ્ઞાની બને છે. મિથ્યાત્વ, ઉદયભાવી અજ્ઞાન અને મોહ આ ત્રિપુટી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન સમ્યક્ ચારિત્રની ઘાત કરનારી સંહારક ત્રિપુટી છે અને આ ત્રિપુટીના શિકાર તે શુષ્કજ્ઞાની બને છે. ક્રિયાજડ કરતા શુષ્કજ્ઞાની વધારે ઘાતક છે. અહીં આપણે એક ચૌભંગી આપશું.
પર DJFA