Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
જો કે આ બધું શબ્દાતીત છે. છતાં અમે સાહસ કરીને મોક્ષને પ્રદર્શિત કરવા ભાવવાહી શબ્દો મૂકયા છે. મોક્ષ વિષે વિપરીત માન્યતા બહુ ઓછી જોવામાં આવે છે પરંતુ મોક્ષ વિશે અજ્ઞાન એ એક જીવ રાશિનો ફેલાયેલો વ્યાપક ભાવ છે. મોક્ષ વિષે વિપરીત કલ્પના કરવી એ સુગમ્ય નથી. અતઃ મોક્ષ વિશે જે અજ્ઞાન છે તેને પ્રગટ કરવાથી મોક્ષની અભિલાષા જન્મે એ સ્વાભાવિક છે પરંતુ મોક્ષની અભિલાષા જમ્યા પછી તેના માર્ગ વિષે વિભિન્ન માન્યતાઓ સામાન્યથી લઈ બુદ્ધિમાન વ્યકિતઓને મિથ્યા જાળમાં રોકી રાખે છે. મોક્ષ સંબંધી જેને સહેજ કલ્પના નથી, તેઓને વિપરીત કલ્પનાનો સ્પર્શ થતાં તે મિથ્યા ભાવમાં સપડાય તે સ્વાભાવિક છે. મોક્ષની માન્યતાને વિશે જનસમૂહમાં જે મિથ્યાભાવ પ્રચલિત થયા છે અને તેનાથી પ્રભાવિત થઈ તેઓ વધારેમાં વધારે સંસારચક્રમાં કહો કે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાય છે. અસ્તુ.
લક્ષ હોવા છતાં લક્ષ હીનતા : અહીં આપણે મોક્ષ સંબંધી અને તેની માન્યતા સંબંધી સામાન્ય વિચાર કર્યા પછી મોક્ષ વિષે શાસ્ત્રીય, આધ્યાત્મિક અને તાત્ત્વિક વિચાર કરશું. પૂર્વમાં આપણે કહી ગયા છીએ કે મોક્ષ અભાવાત્મક તત્ત્વ છે. મોક્ષ થયા પછી સ્વાભાવિક સ્થિતિ જન્મ છે. તે ભાવાત્મક તત્ત્વ છે. પરંતુ ઉપલક્ષથી તેને પણ મોક્ષ કહેવામાં આવે છે. હકીકતમાં શાસ્ત્રીય ભાવો સંપૂર્ણ કર્મના ક્ષયને મોક્ષ માને છે. ક્ષય એ અભાવ છે. કોઈ વસ્તુનો ક્ષય થાય અર્થાત્ ત્યાં તેનો અભાવ પ્રગટ થાય છે. જીવ અને કર્મનો અનાદિ કાળનો જે સંયોગ છે તે સંયોગનો અંત આવે, જડમૂળથી તેનો ક્ષય થાય અને ફરીથી તે સંયોગ ઉદ્ભવે નહીં ત્યારે તેને મોક્ષ કહેવામાં આવે છે.
વસ્તુતઃ કર્મોનો ક્ષય તે આત્માના શુદ્ધ પરિણામોનો પરિપાક છે. કર્મો ક્રમશઃ જીવાત્માના વિભાવરૂપ પરિણામો સાથે સંબંધ ધરાવે છે. અને તે પરિણામોની હાનિ વૃદ્ધિ અનુસાર કર્મમાં હાનિ વૃદ્ધિ કે પાપ પુણ્યની આવૃત્તિ થાય છે. જ્યારે જીવાત્મા ગુરુકૃપાએ કાળલબ્ધિનો પરિપાક થયા પછી સમ્યગ્રજ્ઞાનના નિર્ણયે વિશુદ્ધ પરિણામોને કે વિશુદ્ધ આત્મપર્યાયોને પ્રગટ કરે છે ત્યારે કર્મ ખરવાની અથવા નાશ થવાની એક નવી જ પ્રક્રિયા શરુ થાય છે અને તે પ્રક્રિયામાં ક્રમશઃ કર્મોની સ્થિતિ અને પ્રબળતા ઘટતી જાય છે. આત્મસ્થિતિ બળવત્તર થતી જાય છે. અને ઘણા જન્મોની લડાઈને અંતે જીવાત્મા એક એવા કેન્દ્ર ઉપર પહોંચે છે કે જ્યાં જે સમસ્ત પ્રબળ ભાવે યથાખ્યાત ચારિત્રનું અવલંબન, કરી ઘાતી કર્મો ઉપર છેલ્લો ફટકો મારી, જડમૂળથી તેને ઉખેડી, અરિહંત પદમાં પ્રવેશ કરી, મુકિતની પૂર્વ અવસ્થાનો આનંદ મેળવી, નિરામય બની, કર્મોથી સર્વથા નિર્ભય બની મોક્ષભાવને ભજે છે, પરંતુ હજી કર્મની ઉત્તરક્રિયા બાકી છે. એટલે છેવટે અયોગી ભાવોનું સંવરણ કરી છેલ્લો પ્રહાર કરી બાકીના ચાર અઘાતી કર્મોને પણ વિદાય આપી કર્મોનો પરિપૂર્ણ ક્ષય કરી મોક્ષની ઉત્તર અવસ્થાને પ્રાપ્ત કરે છે. આમ બે ભાગમાં વિભકત એવી મોક્ષદશા કે મુકિતદશા જે પ્રગટ થઈ છે અને જેના પરિણામે અનંત ગુણધારક આત્મદ્રવ્ય નિરાળુ બની શુદ્ધ ભાવોને ભજે છે તે સાક્ષાત્ મોક્ષ છે.
મોક્ષ વિશે લગભગ બહુ મતભેદ નથી. મુખ્ય મતભેદ એ છે કે મુકત જીવ પુનઃ સંસારમાં આવી શકે કે કેમ ? એવો જ એક એવો મત છે કે શુદ્ધ આત્મા પુનઃ અવતાર ધારણ કરે છે.
બાદો ૫૬ હાજરી