Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
. “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા” આ પદ વર્તમાન ધર્મક્ષેત્રમાં અને ખાસ કરીને આધ્યાત્મિક ઉચ્ચ કોટિના સંપ્રદાયોમાં પણ આત્મચિંતનના અભાવે જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેને અનુલક્ષીને જે કોઈ ક્રિયાજડ થઈ રહ્યા એમ કહ્યું છે. વસ્તુતઃ બ્રહ્માંડમાં અને સંપૂર્ણ માનવ લોકમાં ક્રિયા અને જડ પદાર્થોનું પ્રવર્તન એટલું બધુ વ્યાપક છે, એટલો બધો વિસ્તાર એમાં ભરેલો છે કે સંપૂર્ણ ક્રિયાકલાપના આધારે કોઈ ક્રિયાજડ થઈ રહ્યા છે તે લાગુ પાડી શકાય તેમ નથી. કારણ કે સંપૂર્ણ જીવરાશિ જડ સાથે તદ્રુપ થઈને જ ક્રિયા કરતા હોય છે. તે જીવવાની ક્રિયા હોય કે પરસ્પર ઉપકાર કરવાની, બચવાની, સહયોગ કરવાની કે મોહાવિષ્ટ થઈ યુદ્ધ કરવાની ક્રિયા હોય અને હિંસા આદિ પાપક્રિયાઓ તથા દયામય કરુણાની ક્રિયાઓ વ્યાપક અર્થમાં ચાલતી હોય છે. તેમાં તે બધા જીવો જડ સાથે જોડાયેલા છે. એટલે અહિં સંપૂર્ણ બ્રહ્માંડના આધારે આ કથન નથી, પરંતુ ધાર્મિક ક્ષેત્રમાં અને ખાસ કરી અધ્યાત્મ ક્ષેત્રમાં કવિરાજની જ્યાં સુધી દષ્ટિ ફેલાયેલી છે ત્યાં સુધી તેને ઘણા જીવો આવા વિવેકશૂન્ય ક્રિયાના કારણે જડ જેવા પ્રતિભાષિત થયા છે અને તેની જડતાને ખંખેરવા માટે સ્વયં જીવ ચૈતન્યમય છે તેવો પ્રતિબોધ આપવા માટે આ અપૂર્વ શબ્દ મૂકયો છે કે “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા” અસ્તુ.
અહીં ક્રિયાજડની વ્યાખ્યા પછી આપણે ઊંડાઈથી શુષ્કશાનીની વ્યાખ્યા પણ યથાસંભવ કરવા પ્રયાસ કરશું.
શુષ્કજ્ઞાનીની વ્યાખ્યા પહેલા, ક્રિયા ઉપર થોડો તાત્ત્વિક પ્રકાશ નાંખશું. દાર્શનિક દષ્ટિએ ક્રિયા શું છે? અને ક્રિયાનો વ્યાપક અર્થ જાણ્યા પછી ધાર્મિક ક્ષેત્રમાં ધર્મક્રિયા કોને કહેવામાં આવે છે તે લક્ષમાં લેવા જેવું છે.
કર્તાની ક્રિયા : વસ્તુતઃ ક્રિયા બે શકિતની આધારે ઉદ્ભવે છે. (૧) સ્થાનાંતર અને (૨) કાલાંતરના આધારે પદાર્થોમાં કે દ્રવ્યમાં જે ક્ષણિક પરિવર્તન થાય છે, તે બધા પરિવર્તનો ક્રિયારૂપે પ્રત્યક્ષ થાય છે. ક્રિયા એક પ્રકારનું પરિવર્તન છે. જેને જૈન દર્શનમાં પર્યાય કહેવામાં આવે છે. પર્યાય એટલે દ્રવ્યનું જે નિરંતર પરિવર્તન થાય છે, અને તેમાં ઓછીવતી ગુણવત્તા પ્રગટ થાય છે તેને ક્રિયા રૂપે જોવામાં આવે છે. ક્રિયાનો આધાર દ્રવ્ય સ્વયં છે. જેને ઉપાદાન કારણ કહેવામાં આવે છે પરંતુ આવા પરિવર્તનો સાથે નિમિત્તભાવે જે શકિત જોડાય છે તેને કર્તા ગણવામાં આવે છે. અને સ્થૂળ રીતે તે કર્તા ક્રિયાનો જનક બની જાય છે. કર્તૃત્ત્વ ધર્મ તે પદાર્થનો ધર્મ પણ છે અને કોઈ જીવંત વ્યકિતનો પણ ધર્મ છે. જો કે વ્યવહારિક ક્ષેત્રમાં પદાર્થને કર્તાની સંજ્ઞા આપવામાં આવી નથી પણ એટલા માટે જ કર્તાની વ્યાખ્યામાં, દર્શન શાસ્ત્રમાં “જ્ઞાનેચ્છા તિમત્તે તત્ત્વ' આ સૂત્રમાં જ્ઞાન, ઈચ્છા અને કૃતિ, કૃતિનો અર્થ પ્રયાસ, યત્ન. આ ત્રણે તત્ત્વ મળીને કર્તાનું રૂપ ધારણ કરે છે. આ વ્યાખ્યા પ્રમાણે જીવ અથવા ચૈતન્ય એ જ કર્તા બની શકે. કારણ કે જ્ઞાન અને ઈચ્છા એ બે ભાવ જડ પદાર્થમાં નથી અને એટલા માટે જ ઈશ્વરવાદમાં
જ્યાં સ્વતઃ ક્રિયાઓ થાય છે. જેમ કે સમુદ્રના મોટા તોફાનો, મોટા ઉલ્કાપાત કે મોટી વર્ષા એ બધા કાર્યોમાં સાધારણ જીવની હાજરી હોતી નથી, તેથી ત્યાં ઈશ્વરની સ્થાપના કરવામાં આવી છે અને ઈશ્વર સ્વયં જ્ઞાન, ઈચ્છા અને કૃતિના ભંડાર છે. અસ્તુ.