Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ભાવનાથી આ લોકોને સાચા ઉપદેશથી વાળી શકાય છે તેવું મંતવ્ય પ્રગટ કર્યું છે, કારણ કે તેનું લક્ષ ઠીક છે પણ સાધનમાં ભૂલ છે. સિદ્ધાંત એવો છે કે સાધ્ય સાધન સમતુલ્ય હોવા જોઈએ. સાધ્યને અનુકૂળ સાધન હોય તો જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અહીં ચૌભંગી કહેવાથી વધારે સ્પષ્ટ થશે.
સાધન અને સાધ્યની ચૌભંગી : (૧) સાધ્ય પણ ખોટું અને સાધન પણ ખોટું. (૨) સાધ્ય ખોટું અને સાધન સાચું. (૩) સાધ્ય સાચું અને સાધન ખોટું. (૪) સાધ્ય સાચું અને સાધન પણ સાચું.
આખી ચૌભંગીમાં પ્રધાનતા સાધનની છે. સાધન અર્થાત્ તે માર્ગની ઉપાસના ઠીક હોય તો બધુ બરાબર થઈ શકે છે. અહીં ત્રીજા ભંગનું અવલંબન કરી વિવેચન આપ્યું છે કે મોક્ષમાર્ગની અભિલાષા તે સાધ્ય ઠીક છે, પરંતુ ક્રિયાજડતા અને શુષ્કજ્ઞાન બંને સાધન વિપરીત છે. એક અંશમાં જ ખરાબી છે તેથી સુધરવાનો અવકાશ ઘણો છે, અને લાગે છે કે આવા જીવોના `કલ્યાણ માટે આત્મસિદ્ધિ પ્રસ્તુત થઈ રહી છે.
“માને મારગ મોક્ષનો' એ વાકયમાં બે ભાવ રહેલા છે. એક મોક્ષ અને એક મોક્ષની માન્યતા. વસ્તુતઃ એક મોક્ષ તો અભાવાત્મક સચોટ તત્ત્વ છે. મોક્ષ પછી જે સ્વરૂપ ખીલે છે તે સત્ ભાવાત્મક છે. કર્મ છૂટા પડયા પછી જે અવસ્થા ઉત્પન્ન થાય છે તેને પણ ઉપલક્ષણથી મોક્ષ જ કહેવામાં આવે છે. આમ મોક્ષ એક હકીકત છે અને મોક્ષ સંબંધી માન્યતા તે સાચી અને ખોટી વિભિન્ન પ્રકારની હોઈ શકે છે. અહીં પ્રશ્ન એ છે કે ક્રિયાજડને કારણે આ વિપરીત માન્યતા જન્મે છે કે વિપરીત માન્યતાના આધારે ક્રિયાજડતા ઉદ્ભવે છે ? એ જ રીતે વિપરીત માન્યતાને કારણે જીવ શુષ્કજ્ઞાની બન્યો છે કે શુષ્કજ્ઞાનના કારણે વિપરીત માન્યતા જન્મે છે ? આમાં પરસ્પર કાર્ય કારણનો સંભવ છે. દા.ત. વૈદરાજ ખોટી ધારણાને આધારે ખોટી દવા આપે છે કે રોગ સંબંધી ખોટી ધારણાને કારણે ખોટી દવા આપે છે. અર્થાત્ રોગનું નિદાન થયા વિના અથવા રોગનું વિપરીત નિદાન થવાથી વિપરીત દવા અપાય છે, અને નિદાન ઠીક હોય છતાં દવા સંબંધી ધારણા ગલત હોય તો પણ પરિણામ ખરાબ આવે છે.
આ રીતે દાર્શનિક દષ્ટિએ ભાવાત્મક જગતમાં હજારો ક્રિયાકલાપો, કાર્ય–કારણના ભાવે પ્રવર્તિત થતાં હોય છે. તે જ રીતે અહીં પણ મોક્ષ સચોટ હોવા છતાં તેની માન્યતા અને ખોટા સાધનોના કારણે જ જીવ સાચો માર્ગ ગ્રહણ કરી શકતો નથી, તેથી ક્રિયાજડતા કે શુષ્કજ્ઞાનનો ઉદ્ભવ થાય છે. આ બધી પરિસ્થિતિથી કવિના હૃદયમાં કરુણા પ્રગટે છે. એ કરુણા પુણ્યમય કરુણા છે. અર્થાત્ નિર્દોષ, પવિત્ર, પ્રાસાદિક કરુણા છે. આ પરિસ્થિતિનું દર્શન કરતા સ્વતઃ કરુણા જન્મે છે. અહીં કરુણા કોને જન્મે છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. તે સ્પષ્ટ થાય છે કે જે કોઈ સાચું જાણનાર સમ્યગ્દષ્ટા, જ્ઞાની આત્મા આ પરિસ્થિતિને જુએ, ત્યારે તે જીવો પ્રત્યે કરુણાભાવ જાગૃત થાય છે, અર્થાત્ કરુણા દ્રવી ઉઠે છે.
અહીં કરુણાને કોઈ ઉપજાવે છે, અથવા હું કરુણા કરુ છું તેવો અહંકારયુકત કોઈ ભાવ નથી પરંતુ સ્વતઃ કરુણાની ક્રિયાશીલતા વિષે ઉલ્લેખ કર્યો છે. જેમ સૂર્ય તપે, ત્યારે બરફ પીગળે છે
૪