Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા = ૩
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ ॥
અહીં આપણે ત્રીજી ગાથાનો સૂત્રપાઠ કરી રહ્યા છીએ. કવિશ્રીએ અગોપ્ય ભાવે મોક્ષમાર્ગ પ્રદર્શિત કરવાની બાહેંધરી આપી છે. પણ તે પહેલા ગુંગળાયેલી પરિસ્થિતિને પ્રગટ કરતા સમ્યક્ પરિણમનના અભાવે સ્થૂલ ક્રિયાકાંડમાં અને ખોટી તત્ત્વ ચર્ચાઓમાં વિભકત થયેલા સાધકોનું અહીં દર્શન કરાવે છે.
જ્ઞાન અને ક્રિયાની એકાંગતા અનાદરણીય : કોઈ ક્રિયાજડ થઈ રહ્યા'' એમ કહેવામાં શાસ્ત્રકાર ખૂબજ સાવધાન છે. ભરતક્ષેત્રમાં અને તે સિવાયના મહાવિદેહઆદિ ક્ષેત્રોમાં જે સાધકો છે, જે સમ્યક્ પ્રકારે મોક્ષમાર્ગમાં આરુઢ થયેલા છે, તેની જરાપણ અવહેલના ન થાય તે રીતે અહીં ‘કોઈ’ શબ્દ વાપર્યો છે. વસ્તુતઃ ‘કોઈ' શબ્દ કોઈ કોઈનો વાચક છે. અર્થાત્ હજારોમાં કોઈ કોઈ સાધક જડતા પામ્યા છે અને ફકત ક્રિયાનું અવલંબન કરી સંતોષ અનુભવે છે. જ્યારે આપણે કોઈ શબ્દ વાપરીયે ત્યારે તે બહુ અલ્પ સંખ્યા વાચક હોય છે. જેમ કોઈ કહે કે આ ગામમાં કોઈ કોઈ દરિદ્ર છે, અથવા કોઈ માણસો ખોટે રસ્તે ચડેલા છે. તેનો અર્થ જ એ છે કે બહુ જ થોડા માણસો ખોટે રસ્તે છે. અધિક માણસો સારે રસ્તે છે, એવો પ્રતિઘોષ થાય છે.
અહીં “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા” અર્થાત્ બહુ થોડા માણસો એવા છે, કોઈ એટલે કેટલાક એમ સમજવું જોઈએ. અજ્ઞાની જીવો ક્રિયાજડ પણ થઈ રહ્યા છે અને શુષ્કજ્ઞાની પણ થઈ રહ્યા છે. આમ કવિરાજે આ વિપરીત અવસ્થાવાળા જીવોને બે ભાગમાં વિભકત કર્યા છે. એક ક્રિયાજડ અને એક શુષ્કજ્ઞાની પરંતુ તેનું કારણ પ્રદર્શિત કર્યું નથી. આગળની કડીઓમાં તેઓ ક્રિયાજડનું વિવરણ આપે છે. તે જ રીતે શુષ્કજ્ઞાનીનું પણ વિવરણ આપે છે પરંતુ તેના વાસ્તવિક આધ્યાત્મિક કારણોનું વિશ્લેષણ કર્યું નથી કે જીવ કયા કારણથી ક્રિયાજડ અથવા શુષ્કજ્ઞાની કેમ બને છે ? આપણે અહીં તેનું વિશ્લેષણ આગળ ઉપર કરશું. હાલ આખી ગાથાનો વ્યવસ્થિત શબ્દાર્થ થયા પછી દાર્શનિક દૃષ્ટિકોણથી ઊંડા ભાવોનું આવેદન કરશું અસ્તુ.
અહીં ક્રિયાજડ હોવા છતાં તેઓ મોક્ષના અર્થ છે, એ સ્પષ્ટ કહયું છે. વસ્તુતઃ અસંખ્ય ક્રિયાજડ જીવો બધા મોક્ષના અર્થી હોતા નથી. તેને કારણે તેઓ સાંસારિક ફળની ઉપાસના કરતા હોય છે, અને એ જ રીતે શુષ્કજ્ઞાની જીવો પણ બધા મોક્ષમાર્ગના અભિલાષી હોતા નથી અને પોતાના શુષ્કજ્ઞાનના પ્રભાવે બુધ્ધિવાદના અખાડામાં ઉતરીને અન્યને પરાસ્ત કરવાની ભાવના સાથે પોતાના અહંકારનું પોષણ કરતા હોય છે. અહીં આપણા યોગીરાજે તેવા ક્રિયાજડ અને તેવા શુષ્કજ્ઞાનીને પડતા મૂકયા છે, જેઓ મોક્ષમાર્ગના અભિલાષી હોવા છતાં ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનના આધારે મોક્ષમાર્ગની ઉપાસના કરતા હોય તેવું સ્પષ્ટ કહ્યું છે અસ્તુ.
આવા ક્રિયાજડ જીવોનું શુભ લક્ષણ એ છે કે તેઓ મોક્ષના અભિલાષી છે અને એ જ રીતે શુષ્કજ્ઞાની પણ મોક્ષની ચર્ચા કરે છે, મોક્ષમાર્ગનું અવલંબન લે છે. યોગીરાજે ખૂબજ શુભ
૪૩