Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
તે જ રીતે આ વિપરીત ભાવના સંતાપથી જ્ઞાનીની કરુણા દ્રવી ઉઠે છે. કરુણાનો સ્વતઃ ઉદ્ભવ થાય છે.
અહીં આપણે આખી ગાથાના ચારે પદોનો શાબ્દિક અર્થ કર્યા પછી હવે તેના ગૂઢાર્થમાં પ્રવેશ કરશું અને પાઠકને સ્પષ્ટ થાય તે માટે જરુર પડે ત્યાં પૂર્વપક્ષ ને ઉત્તરપક્ષ રૂપે વિવેચન આપી ભાવોને પ્રગટ કરવા કોશિષ કરશું.
પૂર્વપક્ષ : “અહીં કોઈ ક્રિયાજડ થઈ રહ્યાં” એમ કહ્યું છે. વસ્તુતઃ આ બન્ને શબ્દ વિરુદ્ધ છે. જ્યાં ક્રિયા હોય ત્યાં જડતા ન હોય અને જ્યાં જડતા હોય ત્યાં ક્રિયા ન હોય. જડતા શબ્દ નિષ્ક્રિય ભાવ અને શૂન્યભાવ ભાવનો ધોતક છે. જ્યારે ક્રિયા એ સક્રિય ભાવ, ચંચળભાવ અને જડતારહિત કર્મશીલ ભાવની દ્યોતક છે. ક્રિયાનો અર્થ જ ચલિતભાવ થાય છે. તો અહીં કોઈ ક્રિયાથી જડ થઈ રહયા છે તે મંતવ્ય બરાબર લાગતું નથી. જેમ કોઈ કહે કે અગ્નિ ઉપર મુકેલું પાણી ઉકળતું નથી. તો તે વિપરીત લાગે છે. કારણ કે અગ્નિ એ ક્રિયાશીલ છે અને તે પાણીને પણ ક્રિયાશીલ બનાવે છે. આ જ રીતે જ્યાં જડ ભાવો છે ત્યાં ક્રિયાનો સંભવ નથી. જેમ આ મંદિરનો પીલર સ્થિર છે, અર્થાત્ જડભાવે ઊભો છે. તેનો અર્થ જ છે કે ત્યાં ક્રિયાશીલતા નથી. તો કવિ અહીં કહે છે કે “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા” તે તર્ક દષ્ટિએ યોગ્ય લાગતું નથી. તે જ રીતે શુષ્કજ્ઞાની શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યાં પણ જ્ઞાનમાં શુષ્કતા કેવી રીતે આવી શકે ? જે વિષય રહિત તત્ત્વો હોય તેને જ શુષ્ક કહી શકાય. જ્ઞાન કયારેય પણ વિષય રહિત હોતું નથી. તેવા જ્ઞાન કે જ્ઞાનીને શુષ્કજ્ઞાની કહેવા એ એક પ્રકારનો રુઢિવાદ લાગે છે. હકીકતમાં જ્ઞાન શુષ્ક હોઈ જ ન શકે. માટે અમારું મંતવ્ય છે કે આ બન્ને પદોને તર્ક દષ્ટિએ માન્ય રાખી શકાય તેવા નથી. આમ કહીને પૂર્વપક્ષ વિરામ પામ્યો.
પૂર્વાચાર્યોએ ચાર દષ્ટિની સ્થાપના કરી છે. મહાન આચાર્ય શ્રી હરિભદ્રસૂરીજીએ ચારે દષ્ટિનું વિવેચન પણ કર્યું છે ને વર્તમાન કવિશ્રીએ ગુજરાતી પદમાં કરુણાભાવનો ઉલ્લેખ કર્યો છે.
દીન કૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ શ્રોત વહે”. તે જ રીતે આપણા પરમ કૃપાળુદેવે પણ “કરુણા ઉપજે જોઈ શબ્દ દ્વારા કરુણા દષ્ટિનો ઉલ્લેખ કર્યો છે.
ઉત્તર પક્ષ : પૂર્વપક્ષનું જે કથન છે તે શબ્દાર્થની દષ્ટિએ કે તર્ક દૃષ્ટિએ ઠીક છે પરંતુ અહીં શબ્દાર્થ, રુઢાર્થ કે ભાવાર્થ લેવાનો નથી. પરંતુ અહીં તાત્પર્યાર્થ લેવાનો છે. જે કોઈ શાસ્ત્રનું કથન હોય તેમાં તાત્પર્યાર્થિનું મહત્વ સૌથી વધારે છે. દર્શનશાસ્ત્રમાં તાત્પર્યને જ મીમાંસા કહેવામાં આવે છે. તાત્પર્યનો અર્થ છે કે વકતાનું લક્ષ શું છે ? તે શું કહેવા માંગે છે ? તે શબ્દોનો અર્થ કઈ જગ્યાએ યોગ્ય રીતે અન્વય પામે છે ? તેની વિચારણા કરવી. અસ્તુ.
જડતાનો સાચો અર્થ ? હવે આપણે અહીં મૂળ વાત પર આવીએ. “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા” તેમાં જડ શબ્દ વપરાયો છે. સાધારણ રીતે અચેતન પદાર્થોને જડ કહેવામાં આવે છે. જયારે અહીં કોઈ સાધક જીવાત્માને જડ કહેવામાં આવ્યા છે. તેનો અર્થ એ થાય છે કે આ જડ શબ્દ ઉપમાવાચી છે. અચેતન પદાર્થ વિવેકશૂન્ય હોય છે. જડ પદાર્થ ક્રિયાશીલ હોય ત્યારે પણ તેમાં