________________
૧૫
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા
આ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – “ચૈત્યવંદનનું પણ નિષ્ફળપણું છે” એ પ્રકારનો જે પૂર્વપક્ષીએ હેત આપ્યો તે હેતુ અસિદ્ધ છે. હેતુ અસિદ્ધ કેમ છે? તેમાં યુક્તિ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે ચૈત્યવંદન સૂત્ર પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયનું કારણ હોવાથી જ્ઞાનાવરણીયાદિ સ્વભાવવાળાં કર્મોના ક્ષય-ક્ષયોપશમ-ઉપશમના ફલવાળું છે.
આશય એ છે કે સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણીને જે જીવો મોક્ષના અર્થી થયા છે, તેઓને વીતરાગસર્વજ્ઞ એવા તીર્થંકરો ઉપાસ્યરૂપે જણાય છે, અને તીર્થકરો પ્રત્યે થયેલ પૂજ્યભાવને અતિશયિત કરવા માટે તે જીવો તીર્થકરોના ગુણોનું સ્મરણ કરાવનારા ચૈત્યવંદન સૂત્ર દ્વારા વીતરાગ-સર્વજ્ઞની સ્તુતિ કરે છે, તે વખતે તે જીવોને પોતાના ઉપયોગના પ્રકર્ષને અનુરૂપ પ્રકૃષ્ટ એવો શુભ અધ્યવસાય થાય છે. તે પ્રકૃષ્ટ એવો શુભ અધ્યવસાય થવામાં કારણ તે જીવોથી બોલાતું ચૈત્યવંદન સૂત્ર છે. વળી, જે અધ્યવસાયથી જ્ઞાનનું આવરણ કરવા આદિના સ્વભાવવાળાં કર્મો બંધાય છે તે અધ્યવસાયથી વિરુદ્ધ એવા શુભ અધ્યવસાયથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય-ક્ષયોપશ-ઉપશમ થાય છે અર્થાતુ જે કર્મોના ક્ષયનો સંભવ હોય તે કર્મોનો ક્ષય થાય છે, જે કર્મોના ક્ષયોપશમનો સંભવ હોય તે કર્મોનો ક્ષયોપશમ થાય છે અને જે કર્મોના ઉપશમનો સંભવ હોય તે કર્મોનો ઉપશમ થાય છે. આથી ચૈત્યવંદનના ક્રિયાકાળમાં થયેલા પોતાના શુભ અધ્યવસાય અનુસાર યોગ્ય જીવોને ઘણા પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ થાય છે, ઘણા પ્રકારના મોહના ભાવોનો ઉપશમ થાય છે અને ઘણા પ્રકારનાં ક્લિષ્ટ કર્મોનો ક્ષય થાય છે. આ રીતે કર્મોના ક્ષયાદિ દ્વારા ચૈત્યવંદન સૂત્ર સર્વ કર્મોના ક્ષયરૂપ, પરમ પુરુષાર્થ સ્વરૂપ એવા મોક્ષરૂપ ફળની પ્રાપ્તિનું કારણ બને છે, તેથી ચૈત્યવંદન સૂત્રનું વ્યાખ્યાન નિષ્ફળ છે માટે તેનો આરંભ કરવો જોઈએ નહીં, એ પ્રકારની પૂર્વપક્ષીએ આપેલી આપત્તિ અયુક્ત છે.
પંજિકામાં કહ્યું કે “ચૈત્યવંદન લોકોત્તર કુશલ પરિણામનો હેતુ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારવર્તી જીવો ક્યારેક દયા-દાનાદિ કરીને જે લૌકિક કુશલ પરિણામ કરે છે, તેનાથી પણ તેઓનું હિત થાય છે. પરંતુ ચૈત્યવંદનથી તો સામાન્ય લોક ન કરી શકે તેવો લોકોત્તર કુશલ પરિણામ થાય છે; કેમ કે ચૈત્યવંદન સૂત્ર બોલવાથી સર્વ કર્મોથી મુક્ત એવા જિનના ગુણોના પ્રણિધાનનો આશય થાય છે. તે આશય લોક કરી શકે તેમ નથી, ફક્ત સશાસ્ત્રોના અધ્યયનથી જેમની મતિ પરિસ્કૃત થયેલી છે તેવા નિર્મળદષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ આદિ જીવો જ જિનના ગુણોના પારમાર્થિક સ્વરૂપનો બોધ કરીને ચૈત્યવંદનના અવલંબનથી જિનના ગુણોનું પ્રણિધાન કરી શકે છે, અને જિનસદશ પોતાના આત્મભાવોને પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કરે છે, તેથી આવો કુશલ પરિણામ લોક ન સમજી શકે તેવો છે, માટે લોકોત્તર છે. લલિતવિસ્તરા -
आह-'नायमेकान्तो यदुत-ततः शुभ एव भावो भवति, अनाभोगमातृस्थानादेविपर्ययस्यापि दर्शनादिति'।