________________
૨૯
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા કરાવનારા અને ચૈત્યવંદન સૂત્રના અર્થોનો પરમાર્થ બતાવનારા ગુરુ પ્રત્યે અંતરંગ બહુમાનનો ભાવ હોય છે, તેથી આવા જીવો ગુણવાન ગુરુ પાસેથી ચૈત્યવંદન સૂત્ર અને તેના અર્થો વિનયપૂર્વક ગ્રહણ કરે છે, તેનાથી જણાય કે આ જીવો વિધિપર છે.
(૭) સત્કાલઅપેક્ષાઃ જે જીવો ચૈત્યવંદનની વિધિમાં તત્પર છે, તે જીવો ચૈત્યવંદનની ક્રિયા કરવામાં સત્કાલની અપેક્ષાવાળા હોય છે, તેથી શાસ્ત્રમાં ચૈત્યવંદન કરવા અર્થેનો જે ત્રણ સંધ્યારૂપ સુંદર કાળ બતાવેલ છે, તે કાળનું તેઓ આશ્રમણ કરે છે અને શક્તિ હોય તો તેઓ તે ત્રણેય કાળમાં સમ્યફ ચૈત્યવંદન કરીને ભગવાનના ગુણોથી પોતાના ચિત્તને તે રીતે વાસિત કરે છે. જેથી દિવસ દરમિયાન સદા તેઓનો આત્મા ચૈત્યવંદનનાં સૂત્રોના ભાવોથી વાસિત રહે છે, તેનાથી જણાય કે આ જીવો વિધિપર છે.
અહીં સંધ્યાત્રય એટલે સૂર્યોદય વખતે, રાત્રિનો અંત અને દિવસના પ્રારંભના જોડાણનો સમય એ સવારની સંધ્યા છે, દિવસના પૂર્વાર્ધનો અંત અને દિવસના ઉત્તરાર્ધના પ્રારંભના જોડાણનો સમય એ બપોરની સંધ્યા છે, સૂર્યાસ્ત વખતે દિવસનો અંત અને રાત્રિના પ્રારંભના જોડાણનો સમય એ સાંજની સંધ્યા છે.
(૮) ઉચિતઆસનઃ જે જીવો ચૈત્યવંદનની વિધિમાં તત્પર હોય તે જીવો ચૈત્યવંદનનાં સૂત્રો ગ્રહણ કરતા હોય, ચૈત્યવંદનનાં સૂત્રોના અર્થોનું શ્રવણ કરતા હોય કે ઉચિત કાળે ચૈત્યવંદનની ક્રિયા કરતા હોય ત્યારે, તે તે ક્રિયાને ઉચિત એવા આસનપૂર્વક તે તે ક્રિયા કરે છે, પરંતુ જેમ-તેમ બેસીને તેઓ સૂત્રનું ગ્રહણ, અર્થનું શ્રવણ કે ચૈત્યવંદનની ક્રિયા કરતા નથી. તેનાથી જણાય કે આ જીવો વિધિપર છે.
(૯) યક્તવરતાઃ જે જીવો ચૈત્યવંદનની વિધિમાં તત્પર હોય, તે જીવો અન્ય કોઈના ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનનો ઉપઘાત ન થાય તેની ચિંતાપૂર્વક યોગ્ય સ્વરથી ચૈત્યવંદનની ક્રિયા કરે છે, તેનાથી જણાય કે આ જીવોમાં વિધિપરતા છે.
અહીં વિશેષ એ છે કે અન્ય જીવની ઉચિત પ્રવૃત્તિમાં વિજ્ઞભૂત બને તે રીતે ધર્મનાં અનુષ્ઠાનો અવિચારક જીવો કરે છે, અને તેવાં ધર્માનુષ્ઠાનો શુદ્ધ આશયથી કરાતાં હોય તોપણ તે અન્યનાં ધર્માનુષ્ઠાનોમાં અંતરાયભૂત હોવાથી દોષરૂપ છે, તેથી વિધિમાં તત્પર જીવો તેવા દોષને શાસ્ત્રથી જાણીને અવશ્ય તેના નિવારણ માટે યત્ન કરે છે.
(૧૦) પાઠઉપયોગઃ જે જીવો ચૈત્યવંદનની વિધિમાં તત્પર છે, તે જીવો ચૈત્યવંદન સૂત્ર ભણતા હોય, ચૈત્યવંદન સૂત્રના અર્થ સાંભળતા હોય કે ચૈત્યવંદન કરતાં હોય, ત્યારે તે તે ક્રિયામાં બોલાતા પાઠમાં ઉપયોગવાળા હોય છે, પરંતુ તે તે ક્રિયાકાળમાં અન્ય અન્ય વિષયો ગ્રહણ કરવાના વ્યાપારવાળા હોતા નથી, આથી જ આવા જીવો ચિત્તના અત્યંત પ્રણિધાનપૂર્વક, તે તે ક્રિયાથી અન્યત્ર ઇન્દ્રિયોનો ઉપયોગ ન પ્રવર્તે, ચિત્ત અન્યત્ર ગમન ન કરે, તે માટે સતત યત્ન કરનારા હોય છે, તેનાથી નિર્ણય થઈ શકે કે આ જીવોમાં ચૈત્યવંદન સૂત્રના પાઠાદિ વિધિપૂર્વક કરવાનો પરિણામ છે.