________________
સયંસંબુદ્ધાણં
૧૭૫
પ્રાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ મહેશના અનુગ્રહથી થઈ છે તેમ કહી શકાય નહીં; કેમ કે અન્ય જીવોને પ્રાપ્ત થયેલ બોધિ કરતાં ભગવાનના આત્માને પ્રાપ્ત થયેલ બોધિ જુદા પ્રકારની છે, તેથી ભગવાનની બોધિ અન્ય જીવો કરતાં વિશિષ્ટ કઈ રીતે છે ? તે સિદ્ધ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે
તીર્થંક૨નો અને અતીર્થંક૨નો બોધિભેદ પણ ન્યાય જ છે; કેમ કે તીર્થંકરના આત્માને જે બોધિની પ્રાપ્તિ થાય છે તે બોધિ દ્વારા તેઓ રત્નત્રયીની આરાધના કરીને તીર્થંકર થઈને મોક્ષે જાય છે, જ્યારે અતીર્થંકરના આત્માને જે બોધિની પ્રાપ્તિ થાય છે તે બોધિ દ્વારા તેઓ રત્નત્રયીની આરાધના કરીને તીર્થંકર થયા વગર મોક્ષે જાય છે. તેથી ચરમભવમાં તીર્થંકર થઈને મોક્ષે જવારૂપ વિશિષ્ટ ફળની પ્રાપ્તિમાં અને ચ૨મભવમાં તીર્થંકર થયા વગર મોક્ષે જવારૂપ સામાન્ય ફળની પ્રાપ્તિમાં, પરંપરાએ કા૨ણ જીવને પ્રથમ ભવમાં પ્રાપ્ત થયેલો તે તે પ્રકારનો બોધિનો ભેદ જ છે, અને જો ૫રં૫રાકારણરૂપ બંને બોધિનો પરસ્પર ભેદ ન હોય તો, તે બોધિની પ્રાપ્તિના કાર્યરૂપ વિશિષ્ટ અને અવિશિષ્ટ ફળનો ભેદ થાય નહીં.
આથી ફલિત થાય કે ચરમભવમાં કોઈક તીર્થંકરના તીર્થને આરાધીને મોક્ષે જનારા જીવોને પ્રથમ ભવમાં પ્રાપ્ત થયેલ બોધિ કરતાં ચરમભવમાં અનેક જીવોના કલ્યાણનું કારણ બનીને મોક્ષે જનારા ભગવાનને પ્રથમ ભવમાં પ્રાપ્ત થયેલ બોધિ, જુદા પ્રકારની છે. માટે જ તીર્થંકરના આત્માનો બોધિલાભ અનેક જીવોમાં બોધિની નિષ્પત્તિનું કારણ બને છે, જ્યારે તીર્થંકર સિવાયના જીવોનો બોધિલાભ માત્ર સ્વકલ્યાણનું કારણ બને છે.
આ કથનને યુક્તિથી બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે ભગવાનનો બોધિલાભ પરંપરાએ તીર્થંક૨૫ણાને નિષ્પન્ન કરવાના સ્વભાવવાળો છે, જ્યારે અંતકૃત્કવલીનો બોધિલાભ તીર્થંકરપણાને નિષ્પન્ન કરવાના સ્વભાવવાળો નથી, આથી જ તીર્થંકરના અને અતીર્થંકરના બોધિલાભમાં ભેદ છે.
અહીં અન્ય પ્રકારના કેવલી ગ્રહણ ન કરતાં ‘અંતકૃત્’ કેવલીને જ ગ્રહણ કર્યા, તેનું તાત્પર્ય એ જણાય છે કે કેવલજ્ઞાન પામ્યા પછી જે રીતે ભગવાન તીર્થ પ્રવર્તાવીને અન્ય જીવો પર ઉપકાર કરે છે, તે રીતે અન્ય કેવલીઓ પણ સ્વભૂમિકા અનુસાર ઉપદેશાદિ દ્વારા યોગ્ય જીવો પર ઉપકાર કરે છે, પરંતુ મરુદેવામાતા જેવા અંતમૃત્યુવલીઓ કેવલજ્ઞાન પામ્યા પછી તરત યોગનિરોધ કરીને મોક્ષે જાય છે, તેથી અંતકૃત્કવલીઓ કોઈ જીવ પર લેશ પણ ઉપકાર કરતા નથી, આથી તીર્થંકરના બોધિલાભ અને અંતકૃત્કવલીના બોધિલાભ વચ્ચે ઘણો ભેદ બતાવવા માટે પ્રસ્તુતમાં અન્ય કેવલીઓનું ગ્રહણ ન કરતાં અંતકૃત્કવલીનું ગ્રહણ કરેલ છે. આનાથી શું સિદ્ધ થાય ? તે બતાવે છે -
ભગવાનનો આત્મા તે તે કલ્યાણના આક્ષેપક એવા અનાદિના તથાભવ્યત્વને ધરાવનારા છે, તેથી ભગવાનનું ભવ્યત્વ અનાદિકાળથી તેવા પ્રકારનું હતું કે જેના કારણે બોધિની પ્રાપ્તિ થયા પછી ભગવાને ઉત્તમ ભાવોની પ્રાપ્તિ કરી અને ચરમભવમાં તીર્થસ્થાપના કરીને અનેક જીવો પર ઉપકાર કર્યો. આ રીતે અરિહંતો મહેશના અનુગ્રહથી બોધ પામનારા નથી, પરંતુ સ્વયં જ બોધ પામનારા છે, આથી ભગવાનમાં સ્વયંસંબુદ્ધપણાની સિદ્ધિ થાય છે.