________________
લોગણિ
પપ
ભાવાર્થ -
અહીં પ્રશ્ન થાય કે કોઈ જીવો મિથ્યાદર્શનાદિપૂર્વક તેવો પ્રયત્ન કરે કે જેનાથી અચેતન આદિને અહિત થતું ન હોય તોપણ તે પ્રવૃત્તિ કરનારને અહિતની પ્રાપ્તિ થાય છે તેટલા માત્રથી તેઓ બીજાના અહિતને કરનારા છે તેમ કેમ કહ્યું ? તેથી કહે છે –
ઇતર-ઇતરની અપેક્ષાવાળો કર્તકર્મ પ્રકાર છે અર્થાત્ કર્તા કોઈકના અહિતને અનુકૂળ ક્રિયા કરતો હોય ત્યારે તે કર્તા કોઈકની અહિતની ક્રિયાનો કર્તા છે તેમ કહેવાય છે અને કર્તાના તે વ્યાપારનું કર્મ ઇતરના અહિતને અનુકૂળ છે તેમ કહેવાય છે, તેથી આ કર્તા અન્યના અહિતરૂપ કર્મને કરે છે તે પ્રકારનો પ્રયોગ થાય છે, તેથી કર્તાની ક્રિયાની અપેક્ષાએ અન્યનો અતિયોગ કર્મ છે અને અન્યના અહિતયોગરૂપ કર્મની અપેક્ષાએ કર્તાનો વ્યાપાર છે, જો કે તે કર્તાના વ્યાપારથી અન્યનું અહિત થાય પણ કે ન પણ થાય, તોપણ અન્યના અહિતને અનુકૂળ તેનો વ્યાપાર છે તેમ કહેવાય છે.
આનાથી એ ફલિત થાય કે જે જીવો મિથ્યાદર્શનપૂર્વક પોતાના તુચ્છ ભોગાદિ માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓની પ્રવૃત્તિથી અચેતન એવા ધર્માસ્તિકાયાદિને સાક્ષાત્ ઉપદ્રવ થતો નથી અને સચેતન એવા પણ બધા જીવોને ઉપદ્રવ થતો નથી, તોપણ તેઓનો તે મિથ્યાદર્શનાદિપૂર્વકનો વ્યાપાર બધાના અહિતને અનુકૂળ વ્યાપારરૂપ છે, તેથી તે અચેતનનો અહિતયોગ ઉપચરિત નથી, કેમ કે તે અચેતનના અહિતયોગને અનુકૂળ તેના વ્યાપારથી તે જીવને કર્મબંધ થાય છે.
વળી, કેટલાક સચેતનને પણ તેના વ્યાપારથી અહિત થતું નથી, તોપણ મિથ્યાદર્શનાદિ પૂર્વકનો તેનો તે વ્યાપાર અન્યને અહિતને અનુકૂળ હોવાથી તે વ્યાપાર કરનારને કર્મબંધની પ્રાપ્તિ થાય છે, તેથી અન્યના અહિતને અનુકૂળ વ્યાપારજન્ય કર્મબંધની તેને પ્રાપ્તિ થાય છે.
વળી, કેટલીક વખત કોઈક જીવ માત્ર મનથી જ મિથ્યાદર્શનાદિપૂર્વક વ્યાપાર કરે છે, જે વ્યાપારથી કોઈનું અહિત થતું નથી, જેમ તંદુલિયો મત્સ્ય મનથી જ આરંભ-સમારંભનો વ્યાપાર કરે છે, તો પણ તેના વ્યાપારથી કોઈનું અહિત નહિ થવા છતાં પણ તેને અન્યના અહિતને અનુકૂળ વ્યાપારજન્ય કર્મબંધની પ્રાપ્તિ થાય છે.
તેથી એ ફલિત થાય કે સમ્યગ્દર્શનપૂર્વક પોતાની ભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરતા હોય તેવા અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર શ્રાવક કે સર્વ વિરતિધર સાધુઓ સતત યથાર્થ દર્શનપૂર્વક પોતાના કષાયોને અલ્પ કરવાના યત્ન સ્વરૂપ સમભાવના પરિણામવાળા છે ત્યારે, તેઓના કાયયોગથી કોઈ જીવની હિંસા થાય તોપણ તેઓના તે વ્યાપારથી તે જીવોને કર્મબંધ થતો નથી, પરંતુ તેઓનો યોગ ભગવાનના વચનાનુસાર સમ્યજ્ઞાનથી નિયંત્રિત હોવાથી તેઓની પ્રવૃત્તિથી તેઓને પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરાની પ્રાપ્તિ થાય છે, તેથી તેઓનો સમ્યગ્દર્શનાદિપૂર્વકનો વ્યાપાર કોઈના માટે અહિતયોગરૂપ નહિ હોવાથી પોતાના અહિતનું કારણ બનતો નથી. વળી, મંદ મિથ્યાત્વ અવસ્થામાં પણ જેઓ તત્ત્વને સન્મુખ પરિણામવાળા છે, તેઓનો સમ્યગ્દર્શનને