________________
૨૫.
લલિતવિસ્તરા ભાગ-૧ અભિમુખ બોધથી નિયંત્રિત વ્યાપાર છે તેનાથી કોઈને અહિતને અનુકૂળ કર્મબંધની પ્રાપ્તિ થતી નથી, તેથી તેઓનો વ્યાપાર અન્યના અહિતને અનુકૂળ નથી, જેમ મેઘકુમારને હાથીના ભવમાં સસલા પ્રત્યે દયા થઈ ત્યારે પોતાના પ્રાણની જેમ અન્યના પ્રાણના રક્ષણનો પરિણામ હતો અને મિથ્યાત્વ મંદ વર્તતું હતું, તેથી તેનો વ્યાપાર કોઈના અહિતને અનુકૂળ નહિ હોવાથી ત્યારે મેઘકુમારના જીવને બીજાના અહિતના કારણીભૂત કર્મબંધની પ્રાપ્તિ થતી નથી.
વળી, સર્વવિરતિવાળા મુનિ, દેશવિરતિધર શ્રાવક કે અવિરત સમ્યગ્દષ્ટિ જીવો પણ જ્યારે પ્રમાદને વશ છે ત્યારે સમ્યગ્દર્શનપૂર્વક વ્યાપાર કરતા નથી, પરંતુ વિપર્યાસને અભિમુખ પરિણામવાળા થઈને વ્યાપાર કરે છે, તેથી તેઓના વ્યાપારથી તેઓના કષાયની વૃદ્ધિ થતી હોય છે, તેથી તેઓના વ્યાપારથી કોઈનું સાક્ષાત્ અહિત ન થાય તો પણ તેટલા તેટલા અંશમાં તેઓને પણ અન્યના અહિતયોગની પ્રાપ્તિ છે, તેથી પોતાના પ્રમાદને અનુરૂપ અન્યના અહિતયોગને અનુકૂળ વ્યાપારથી તેઓને કર્મબંધની પ્રાપ્તિ છે.
તેથી એ ફલિત થાય કે જ્યારે જ્યારે જીવો કષાયના શમનને અનુકૂળ વ્યાપારવાળા છે, ત્યારે ત્યારે તેઓમાં તે તે ભૂમિકાની સમાધિ વર્તે છે, તેથી તેઓનો વ્યાપાર અન્યને અહિતને અનુકૂળ નથી અને જ્યારે
જ્યારે તેઓનો કષાયને અનુકૂળ વ્યાપાર વર્તે છે ત્યારે ત્યારે તે વ્યાપારથી અન્યનું અહિત ન થતું હોય તોપણ તે વ્યાપાર લોકના અહિતને અનુકૂળ વ્યાપાર છે, તેથી તે જીવને અન્યના અહિતજન્ય કર્મબંધની પ્રાપ્તિ થાય છે.
વળી, મિથ્યાદર્શનાદિપૂર્વકનો વ્યાપાર અચેતનના અહિતને અનુકૂળ હોવા છતાં તેઓનું અહિત નહિ થતું હોવાથી તે અહિતયોગ ઉપચરિત છે એવો કોઈને ભ્રમ થાય તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
અચેતનનો અહિતયોગ ઉપચરિત નથી, પરંતુ અન્યના અહિતને અનુકૂળ તે વ્યાપારથી તે અહિતયોગ પોતાનામાં આવે છે અર્થાત્ તે અહિતયોગજન્ય કર્મબંધ પોતાને થાય છે, માટે ઉપચરિત નથી, જેમ ગુસ્સાવાળા માણવકને કોઈ કહે કે માણવક અગ્નિ છે, તેમ કહેવાથી માણવક અગ્નિનું કાર્ય કરતો નથી; કેમ કે જેમ અગ્નિ બાળે છે તેમ માણવક પોતાને કે બીજાને બાળવાનું કાર્ય કરતો નથી, તેથી માણવકમાં અગ્નિનો ઉપચાર છે તેવો અચેતનનો અહિતયોગ ઉપચરિત નથી; કેમ કે અચેતનને અહિત નહિ થવા છતાં અચેતનને અહિત કરવાના પરિણામજન્ય કર્મબંધની પ્રાપ્તિ તે પુરુષને થાય છે, તેથી અન્યના અહિતનું કાર્ય જે કર્મબંધ, તે વ્યાપાર કરનારને પ્રાપ્ત થાય છે, માટે અચેતનનો અહિતયોગ ઉપચરિત નથી.
વળી, કેટલાક સચેતન પણ એવા છે કે જેઓને સંસારીજીવોના મિથ્યાદર્શનપૂર્વકના વ્યાપારથી અહિત થઈ શકે તેમ નથી, જેમ મિથ્યાદર્શનપૂર્વકની કોઈ જીવના વ્યાપારથી સિદ્ધના જીવોને કે સૂક્ષ્મ નિગોદના જીવોને અહિતનો યોગ થતો નથી તે બતાવવા માટે જ અચેતનનો અહિયોગ પુનરાગમક હોવાને કારણે ઉપચરિત નથી તેમ કહેલ છે.
વળી, કેટલાક સચેતન જીવો છે જેમને મિથ્યાદર્શનપૂર્વકના કોઈકના વ્યાપારથી અહિતની પ્રાપ્તિ થાય છે, આથી જ મિથ્યાદર્શનપૂર્વકના પરમાધામીના વ્યાપારથી નારકીના જીવોને અહિતની પ્રાપ્તિ થાય છે,