________________
૧૭૦
લલિતવિસ્તરા ભાગ-૧ કુંભારની બનાવવાની ક્રિયાનો વિષય ઘટ છે, માટે ઘટને કર્મકારક કહેવાય; તેમ મહેશ અનુગ્રહ કરવાની ક્રિયા કરે છે, ત્યાં મહેશની અનુગ્રહ કરવાની ક્રિયાનો વિષય આત્મા છે, માટે આત્માને કર્મકારક કહેવાય, તેથી તે આત્મારૂપ કર્મકારકમાં અનુગ્રહ પામવાની યોગ્યતા ન હોય, તો તે આત્મા પર મહેશ દ્વારા કરાયેલી અનુગ્રહની ક્રિયા ક્રિયાભાસ જ છે; કેમ કે જેમ માટીમાં ઘટરૂપે પરિણમન પામવાનો સ્વભાવ ન હોય તો કુંભારના ઘટ બનાવવાના પ્રયત્નથી પણ માટી ઘટરૂપે પરિણમન પામે નહીં, તેમ આત્મામાં બોધરૂપે પરિણમન પામવાનો સ્વભાવ ન હોય તો મહેશના અનુગ્રહ કરવાના પ્રયત્નથી પણ આત્મા બોધરૂપે પરિણમન પામે નહીં, આથી અયોગ્ય એવા કર્મકારકરૂપ આત્મામાં મહેશની અનુગ્રહની ક્રિયા ક્રિયાભાસ જ છે.
કર્મકારકમાં બોધ પામવાની યોગ્યતા ન હોય તો મહેશના અનુગ્રહથી પણ કર્મકારકમાં બોધરૂપ ફળ થાય નહીં, જેમ અશ્વમાં શિક્ષણ પામવાની અને અડદમાં પાક પામવાની યોગ્યતા ન હોય તો અશ્વને શિક્ષણ આપવાની કે અડદને પકાવવાની ક્રિયાથી પણ તેમાં તે તે શિક્ષણ કે પાક રૂપે ફળ થતું નથી, આ વસ્તુ સમગ્ર લોકમાં પ્રસિદ્ધ છે.
અહીં પ્રશ્ન થાય કે કર્મકારકમાં યોગ્યતા ન હોય તો સંસારીજીવોથી કરાતી ક્રિયા અક્રિયા થાઓ, પરંતુ મહેશથી કરાતી ક્રિયા અક્રિયા ન થાઓ; કેમ કે મહેશ અચિંત્ય શક્તિવાળા છે, તેથી તેઓ કર્મકારકમાં યોગ્યતા ન હોય તોપણ ફળ પ્રાપ્તિરૂપ કાર્ય કરી શકે છે, માટે જીવમાં બોધ પામવાની યોગ્યતા ન હોય તોપણ મહેશની અનુગ્રહની ક્રિયાથી જીવમાં બોધ પ્રગટે છે, એમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. આ પ્રકારની શંકાને સામે રાખીને પંજિકાકાર કહે છે –
પૂર્વમાં અશ્વાદિનું દષ્ટાંત બતાવ્યું એ રીતે, કર્મકારકની યોગ્યતાના અભાવમાં કરાતી ક્રિયા અક્રિયા છે, એ નિયમ એકાંતિક અને સાર્વત્રિક સકલ લોકમાં પ્રસિદ્ધ હોય તો અયોગ્ય જીવમાં મહેશનો અનુગ્રહ થાય નહીં. આશય એ છે કે જો મહેશમાં અચિંત્ય શક્તિ હોય તો મોક્ષપ્રાપ્તિ માટે અયોગ્ય જીવ પર પણ મહેશનો અનુગ્રહ થવો જોઈએ, પરંતુ કર્મકારકની યોગ્યતાના અભાવમાં કરાયેલી ક્રિયા અક્રિયા છે, એવો નિયમ એકાંતે છે અને સર્વત્ર છે, આથી જ મોક્ષપ્રાપ્તિ માટે અયોગ્ય જીવમાં મહેશનો અનુગ્રહ થતો નથી.
વળી, આ જ કથનને સ્પષ્ટ કરતાં પંજિકાકાર કહે છે કે જો મહેશની અચિંત્ય શક્તિથી સ્વયોગ્યતા ન હોવા છતાં પણ જીવમાં મહેશનો અનુગ્રહ થતો હોય તો, મહેશ અભવ્યજીવ પર પણ અનુગ્રહ કરે અને મહેશ અભવ્યજીવ પર અનુગ્રહ કરતા નથી. એથી નક્કી થાય છે કે કર્મકારકની યોગ્યતાના અભાવમાં કરાયેલ ક્રિયા અક્રિયા એકાંતે છે અને સર્વત્ર છે.
અહીં પ્રશ્ન થાય કે અભવ્યજીવમાં યોગ્યતા નહીં હોવાથી મહેશ અભવ્યજીવ પર અનુગ્રહ કરતા નથી, એવું કઈ રીતે નક્કી થાય ? એથી કહે છે –
જો મહેશ યોગ્યતા વગર પણ અનુગ્રહ કરતા હોય તો, જેમ મહેશ ભવ્યજીવમાં અનુગ્રહ કરે છે તેમ સર્વત્ર અભવ્યજીવમાં અનુગ્રહ માનવાનો પ્રસંગ આવે.