________________
૨
લલિતવિસ્તરા ભાગ-૧
લલિતવિસ્તરાર્થઃ
અહીં લોકોત્તમ આદિ પદોમાં, જેકે “લોક' શબ્દ વડે તત્ત્વથી=પરમાર્થથી, પંચાસ્તિકાયો કહેવાય છે, કેમ કે ધર્માદિ દ્રવ્યોની વૃત્તિ વર્તન, છે જેમાં તે ક્ષેત્ર તે દ્રવ્યો સાથે લોક છે, તેનાથી વિપરીત ધર્માદિ દ્રવ્યોના વર્તન વગરનું, ક્ષેત્ર અલોક નામનું છે. એ પ્રકારનું વચન છે, તોપણ=પૂર્વમાં કહ્યું કે અહીં લોક શબ્દથી પંચાસ્તિકાયોનું ગ્રહણ છે તોપણ, અહીં=લોગરમાણે પદમાં, લોક ધ્વનિ દ્વારા સામાન્યથી ભવ્યજીવોરૂપ લોક જ ગ્રહણ કરાય છે; કેમ કે સજાતીયના ઉત્કર્ષમાં જ=ભવ્યજીવોરૂપ તીર્થંકરના સજાતીય જીવોના ઉત્કર્ષમાં જ, ઉત્તમત્વની ઉપપત્તિ છે=ભગવાનમાં ઉત્તમત્વની ઉપપત્તિ છે, અન્યથા લોક શબ્દથી ભવ્ય સત્ત્વરૂપ લોક ગ્રહણ કરવામાં ન આવે અને લોક શબ્દથી સર્વ જીવોનું ગ્રહણ કરવામાં આવે તો, અતિપ્રસંગ છે=ભવ્યજીવોને પણ લોકોત્તમ કહેવાનો અતિપ્રસંગ છે; કેમ કે અભવ્યજીવોની અપેક્ષાએ સર્વ ભવ્યજીવોનું ઉત્તમત્વ છે અને આ રીતે=લોક શબ્દથી સર્વ જીવોને ગ્રહણ કરીને ભગવાનને લોકોત્તમ કહેવામાં આવે એ રીતે, આમનો=ભગવાનનો, અતિશય કહેવાયેલો થાય નહિ અર્થાત્ સર્વ ભવ્ય સાધારણ ઉત્તમત્વ હોવાથી લોકોત્તમ પદથી ભગવાનનો અતિશય કહેવાયેલો થાય નહિ, એ પ્રકારે આ ન્યાય પરિભાવન કરવો=પ્રસ્તુતમાં લોક શબ્દથી સર્વ જીવોનું ગ્રહણ નથી, ભવ્યજીવોનું જ ગ્રહણ છે તેમાં આ યુક્તિ પરિભાવન કરવી, અને તેથી=ભગવાન સર્વ ભવ્યજીવોથી ઉત્તમ છે તેથી, ભવ્ય સત્ત્વ લોકના બધા કલ્યાણનું એક કારણ તથાભવ્યપણું હોવાથી=ભગવાનમાં હોવાથી, ઉત્તમ= લોકોત્તમ ભગવાન છે.
ભવ્યત્વ એટલે સિદ્ધિગમન યોગ્યત્વ અનાદિ પારિણામિક ભાવ છે, તથાભવ્યત્વ એ વિચિત્ર આ જ છે=અનેક પ્રકારનું ભવ્યત્વ જ છે; કેમ કે કાલાદિના ભેદથી આત્માના બીજાદિની સિદ્ધિનો ભાવ છે=ભિન્ન ભિન્ન કાળ ભિન્ન ભિન્ન ક્ષેત્રના ભેદથી જીવોને બીજાદિની સિદ્ધિની પ્રાતિ છે, સર્વથા યોગ્યતાનો અભેદ હોતે છતે, તેનો અભાવ છે કાલાદિના ભેદથી બીજાદિ સિદ્ધિના ભેદનો અભાવ છે.
અહીં પ્રશ્ન થાય કે બધા જીવોની યોગ્યતા તુલ્ય છે, છતાં સહકારીના ભેદથી બીજાદિના ભેદની સિદ્ધિ છે, તેમ સ્વીકારી શકાશે તેના નિરાકરણ માટે કહે છે –
તેના સહકારીઓની પણ સર્વથા યોગ્યતાનો અભેદ હોય તો બીજાદિ સિદ્ધિના કારણભૂત સહકારીઓની પણ, તુલ્યત્વની પ્રાપ્તિ છે; કેમ કે અન્યથા=સહકારીઓની તુલ્યતાની પ્રાપ્તિ ન હોય તો, યોગ્યતાના અભેદનો અયોગ છે=સર્વ જીવોની સિદ્ધિગમનની યોગ્યતાના અભેદનો અયોગ છે.
અહીં પ્રશ્ન થાય કે બધા જીવોની યોગ્યતાનો અભેદ માનીએ અને સહકારીના ભેદથી બીજાદિ સિદ્ધિનો ભેદ પ્રાપ્ત થાય છે તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેના નિરાકરણ માટે કહે છે –