________________
૨૦૮
લલિતવિસ્તરા ભાગ-૧ વિશેષણ વગર=ભેદકરૂપ વિશેષણ વગર, અતિપ્રસંગદોષની પ્રાપ્તિ છે, આશય એ છે કે બૌદ્ધ મતાનુસાર સર્વ પદાર્થ ક્ષણસ્થિતિ ધર્મવાળા છે અને જે ક્ષણમાં તે ઉત્પન્ન થાય છે તે વખતે તેમાં સત્ત્વવિશિષ્ટતા છે, તેથી તે સત્ત્વવિશિષ્ટતા સ્વપક્ષની વ્યાવૃત્તિ કરે છે અને પરપક્ષની વ્યાવૃત્તિ કરે છે, તેથી સ્વપક્ષ અને પરપક્ષની વ્યાવૃત્તિ કરે તેવું વિશિષ્ટ સન્ત તે તે પદાર્થમાં છે, માટે વસ્તુ એક સ્વભાવવાળી છે અનેક સ્વભાવવાળી નથી, તેમ બૌદ્ધ મત કહે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
વર્તમાન ક્ષણમાં અનેક પદાર્થો વિદ્યમાન છે તે સર્વમાં સત્ત્વ સમાન છે છતાં અન્યના સત્ત્વ કરતાં કોઈ એક વસ્તુનું સત્ત્વ વિશિષ્ટ છે, તેથી તે વિશિષ્ટ સત્ત્વ વિશેષણરૂપ ભેદકના બળથી જ પ્રાપ્ત થાય છે, જો ભેદક કોઈ ન હોય તો સર્વ વિદ્યમાન વસ્તુમાં “આ સતું છે”, “આ સત્ છે એ પ્રકારની સમાન જ પ્રતીતિ થવી જોઈએ, પરંતુ આ વસ્તુમાં રહેલું સત્ત્વ અન્યમાં રહેલા સત્ત્વ કરતાં જુદું છે તેમ સ્વીકારવામાં કોઈ ભેદક ધર્મ સ્વીકારવો પડે, તો જ તે પદાર્થમાં રહેલું વિશિષ્ટ સત્ત્વ સ્વપક્ષની અને પરપક્ષની વ્યાવૃત્તિ કરે છે તેમ સ્વીકારી શકાય અને તેવો ભેદક કોઈ ન હોય તો જેવું સત્ત્વ વિવક્ષિત વસ્તુમાં છે તેવું સત્ત્વ અન્ય વસ્તુમાં પણ છે તેવું માનવાનો અતિપ્રસંગ આવે અને તેમ સ્વીકારીએ તો જીવ-અજીવ આદિ સર્વ પદાર્થો માત્ર સત્ત્વવાળા છે તેવી પ્રતીતિ થવી જોઈએ અને તેવી પ્રતીતિ નથી છતાં તેવી વસ્તુ સ્વીકારવાનો અતિપ્રસંગ આવે.
આ કથનને જ પંજિકાકાર સ્પષ્ટ કરતાં કહે છે –
એક સ્વભાવવાળી વસ્તુમાં વિશિષ્ટતાનું સત્ત્વની સાથે એકરૂપપણું હોય તો જીવમાં અજીવ કરતાં ભેદક રૂપાંતરનો અભાવ હોતે છતે ચેતનાદિ વિશિષ્ટ સત્ત્વ એક સ્વરૂપ છે તેમ સ્વીકારવું પડે અને તેમ સ્વીકારવામાં અજીવમાં પણ ચેતનાદિ વિશિષ્ટ સત્ત્વની કલ્પનાની પ્રાપ્તિ થાય અને જીવમાં સત્ત્વ છે તેના કરતાં અજીવમાં વિલક્ષણ સત્ત્વ છે, એ પ્રકારની લોકપ્રતીતિ છે તેથી તે વિલક્ષણતાનો નિયામક જીવમાં ચેતનત્વ ધર્મ છે અને અજીવમાં અચેતનત્વ ધર્મ છે તેમ સ્વીકારવું જોઈએ, તેથી વસ્તુ સત્ત્વરૂપે એક સ્વભાવવાળી હોવા છતાં તે સત્ત્વના ભેદક એવા ચેતનત્વ, મૂર્તત્વ આદિ અનેક સ્વભાવ તે વસ્તુમાં છે તેમ સ્વીકારવું જોઈએ, માટે બૌદ્ધદર્શનવાદી વિશિષ્ટ સત્ત્વ સ્વીકારીને વસ્તુને એક સ્વભાવવાળી સ્વીકારે છે, અનેક સ્વભાવવાળી સ્વીકારતો નથી તે યુક્તિયુક્ત નથી.
આ સર્વ કથનથી શું ફલિત થાય તે બતાવતાં કહે છે – પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે વસ્તુને એક સ્વભાવવાળી સ્વીકારવામાં અનેક દોષોની આપત્તિ છે, માટે વિચિત્રરૂપ વસ્તુ સિદ્ધ થાય છે, તેથી વિજાતીય ઉપમાથી અર્પિત ધર્મનો પરસ્પર નિરાકરણરૂપ વિરોધ નથી અર્થાત્ ભગવાનને કમળની ઉપમાના અર્પણ દ્વારા ભગવાનને કમળ કહેવાની આપત્તિ આવશે એ પ્રકારનો વિરોધ નથી; કેમ કે ભગવાન સત્ત્વરૂપે એક હોવા છતાં કમળ જેવા અનેક ગુણોવાળા પણ છે જ.
અહીં પ્રશ્ન થાય કે વિજાતીય ઉપમાના યોગમાં પણ શું સર્વથા વિરોધ નથી ? અર્થાત્ ભગવાન મનુષ્ય છે અને ઉપમા એકેન્દ્રિય એવા કમળની આપી, તેના યોગમાં શું સર્વથા વિરોધ નથી ? તેથી કહે છે –