________________
૧૩
સયંસંબુદ્વાણ
આનાથી એ ફલિત થાય કે જે જે જીવમાં જે જે પ્રકારનાં કાર્યો થાય છે, તે તે કાર્ય પ્રત્યે તે તે જીવમાં રહેલી કાર્યનિષ્પત્તિને અનુકૂળ એવી યોગ્યતા તથાભવ્યત્વ છે, અને ભગવાનના આત્મામાં વર્તતું તથાભવ્યત્વ અન્ય જીવોમાં વર્તતા તથાભવ્યત્વ કરતાં વિશિષ્ટ હોય છે, માટે ભગવાનને ઉપદેશકના પ્રયત્નથી પ્રથમ વખત સમ્યક્તાદિની પ્રાપ્તિ થાય છે ત્યારે પણ ઉપદેશકના પ્રયત્નની પ્રધાનતા નથી; કેમ કે ભગવાનનું તથાભવ્યત્વ વિશિષ્ટ પ્રકારનું હોવાને કારણે ભગવાન પ્રથમ સંબોધને પણ ઉપદેશકના અલ્પ આયાસથી પ્રાપ્ત છે, અને તે પ્રથમ સંબોધ થવામાં પણ માત્ર તથાભવ્યત્વનો પરિપાક જ કારણ નથી, પરંતુ તે વખતનો કાળ, ભગવાનના આત્માનો પુરુષકાર, ભગવાનના આત્મામાં વર્તતાં તે તે પ્રકારનાં કર્મો, આદિ સર્વ સામગ્રીનો પરિપાક કારણ છે, તેમજ ભગવાન ચરમભવમાં જે પરના ઉપદેશ વગર વરબોધિની પ્રાપ્તિથી સંબોધ પામે છે તેમાં પણ તથાભવ્યત્વાદિ પાંચેય કારણોના સમુદાયરૂપ સામગ્રીનો પરિપાક કારણ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનનો આત્મા પ્રથમ વખત અન્યના ઉપદેશથી સંબોધ પામે છે, તે અપેક્ષાએ ભગવાન પર મહેશનો અનુગ્રહ છે, તોપણ તે અનુગ્રહ ગૌણ છે; કેમ કે ભગવાનના આત્માને જે મહાત્માના ઉપદેશથી પ્રથમ સંબોધ થયો તે મહાત્મા કોઈક તીર્થંકરના તીર્થમાં વર્તે છે, અને તે ઉપદેશક મહાત્માને તે તીર્થકરે પ્રવર્તાવેલા તીર્થથી યોગમાર્ગની પ્રાપ્તિ થઈ છે, તેથી જેમ તે મહાત્મા પર તે તીર્થકરનો અનુગ્રહ છે, તેમ તે મહાત્માના ઉપદેશ દ્વારા પ્રથમ સંબોધ પામનારા ભગવાનના આત્મા પર પણ તે તીર્થંકરનો પરંપરાએ અનુગ્રહ છે, જેમ કે નયસારના ભવમાં ભગવાન મહાવીર સ્વામીનો આત્મા કોઈ મહાત્માના ઉપદેશથી સમ્યક્ત પામ્યો, તે વખતે જે તીર્થંકરનું તીર્થ પ્રવર્તતું હતું તે તીર્થકરના અનુગ્રહથી ભગવાનના આત્માને પ્રથમ વખત સમ્યક્તપ્રાપ્તિરૂપ સંબોધ થયેલો, માટે તે તીર્થકરરૂપ મહેશના અનુગ્રહથી ભગવાનના આત્માને પ્રથમ સંબોધ પ્રાપ્ત થાય છે, તોપણ પ્રથમ સંબોધ થવામાં ભગવાનના આત્માની સંબોધની યોગ્યતાનું પ્રાધાન્ય છે, આથી પ્રથમ સંબોધની અપેક્ષાએ પણ ભગવાન ઉપચારથી સ્વયંસંબુદ્ધ છે. વળી, ભગવાન ચરમભવમાં તો કોઈ તીર્થંકરના શાસનથી સંબોધ પામતા નથી, પરંતુ સ્વયં જ સંબોધ પામે છે, અને સંયમ ગ્રહણ કરીને કેવલજ્ઞાન પામીને તીર્થ પ્રવર્તાવે છે, આથી ચરમભવની અપેક્ષાએ ભગવાન મહેશના અનુગ્રહથી સંબોધ પામતા નથી, માટે ભગવાન સ્વયંસંબુદ્ધ છે, એ પ્રમાણે સ્થાપન થાય છે.
વળી, મહેશના અનુગ્રહથી બોધ માનનારા સદાશિવવાદીઓ બોધ અને નિયમ મહેશના અનુગ્રહથી જ થાય છે, જીવની યોગ્યતાથી થતા નથી, એમ સ્વીકારે છે, તે યુક્તિસંગત નથી, એ જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે
કર્મમાં યોગ્યતાનો અભાવ હોય તો ત્યાં ક્રિયા ક્રિયા નથી. આશય એ છે કે પ્રથમ સંબોધ પામતી વખતે ભગવાનના આત્મા પર જે મહેશનો અનુગ્રહ થયો તે અનુગ્રહની ક્રિયાનું કર્મ ભગવાનનો આત્મા હતો, અને તે ભગવાનના આત્મામાં અનુગ્રહ પામવાની યોગ્યતા ન હોય તો મહેશ વડે કરાતી ભગવાનના આત્મા પર અનુગ્રહની ક્રિયા પણ અનુગ્રહને અનુકૂળ વ્યાપારરૂપ ક્રિયા બની શકે નહીં, કેમ કે તે ક્રિયા