________________
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા
૬૩
આશય એ છે કે ક્ષુદ્ર પ્રકૃતિવાળા જીવોને ભવનું વાસ્તવિક સ્વરૂપ દેખાતું નથી, છતાં તેઓને ‘મારે કંઈક ધર્મ કરીને મારું હિત કરવું છે,' તેવી બુદ્ધિમાત્ર હોય છે, અને તેવી બુદ્ધિમાત્રથી તેઓ ચૈત્યવંદનાદિ ધર્મનાં અનુષ્ઠાનો કરે છે અને માને છે કે ‘આનાથી અમારું કંઈક પરલોકમાં હિત થશે.' આમ માનીને તેઓ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો કરીને ધર્મને અનુકૂળ કંઈક શક્તિસંચય કરે છે, પરંતુ શુદ્ધ અનુષ્ઠાન કરીને શુદ્ધ અનુષ્ઠાનના ફળને પામતા નથી. આવા જીવોને ઉપદેશક કહે કે “ચૈત્યવંદન નહીં કરવાથી જેમ કોઈ ફળ મળતું નથી, તેમ શાસ્ત્રોક્ત વિધિથી વિપરીત એવું યથા-તથા ચૈત્યવંદન કરવાથી પણ કોઈ ફળ મળતું નથી.” તે સાંભળીને તેઓ “ચૈત્યવંદન અનુષ્ઠાનને સમ્યક્ કરીને મારે શુદ્ધ ચૈત્યવંદનનું ફળ પ્રાપ્ત કરવું છે” તેવા ઉત્સાહવાળા થતા નથી, પરંતુ “આવું શુદ્ધ અનુષ્ઠાન કરવાનું મારું સામર્થ્ય નથી, એથી મારી આ ક્રિયા નિષ્ફળ છે, માટે આવા નિષ્ફળ અનુષ્ઠાનથી સર્યું” એમ વિચારીને તે ચૈત્યવંદન અનુષ્ઠાનનો જ ત્યાગ કરે છે. આવા જીવોને શાસ્ત્રકારશ્રીએ શુદ્ધદેશના આપવાનો નિષેધ કર્યો છે.
અહીં પ્રશ્ન થાય કે અપુનર્બંધકાદિ જીવો જેમ શુદ્ધદેશના સાંભળીને સંસારના ઉચ્છેદ માટે શુદ્ધ ક્રિયા કરવાના અભિલાષવાળા થાય છે અને શુદ્ધ ક્રિયા કરવાનું પોતાનું સામર્થ્ય ન હોય તો અપવાદથી શુદ્ધ ક્રિયા પ્રત્યેના રાગપૂર્વક સ્વશક્તિ અનુસાર ચૈત્યવંદન કરે છે, અને પુનઃ પુનઃ યોગીઓ પાસેથી શુદ્ધ ક્રિયા કરવાના ઉપાયો જાણવા યત્ન કરે છે; તેમ ભવાભિનંદી જીવો પણ શુદ્ધદેશના સાંભળીને શુદ્ધ ચૈત્યવંદન કરવાના અભિલાષવાળા કેમ થતા નથી ? અને શુદ્ધ ક્રિયા કરવાનું પોતાનું સામર્થ્ય ન હોય તોપણ અપવાદથી શુદ્ધ ચૈત્યવંદન પ્રત્યેના રાગપૂર્વક સ્વશક્તિ અનુસાર ચૈત્યવંદન કરવાના પરિણામવાળા કેમ થતા નથી ? ઊલટું શુદ્ધદેશના સાંભળીને પોતે સ્વીકારેલ ચૈત્યવંદનની ક્રિયાનો ત્યાગ કરવાના પરિણામવાળા કેમ થાય છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે
-
ભવાભિનંદી જીવોને સ્વઅનુભવથી સિદ્ધ એવું પણ આ અસિદ્ધ છે; કેમ કે મોહનું અચિંત્ય સામર્થ્ય છે.
આશય એ છે કે ભવાભિનંદી જીવો પણ સંસારના ક્ષેત્રમાં કોઈ કાર્ય કરવાનો પ્રારંભ કરે ત્યારે તે કાર્યને પ્રથમ ભૂમિકામાં સમ્યક્ કરી શકતા નથી, છતાં તે કાર્ય કરવાના બદ્ધરાગવાળા હોવાથી તેઓ પુનઃ પુનઃ અભ્યાસ કરીને પણ તે કાર્યમાં કુશળ થાય છે, એ પ્રકારનો તેઓને સ્વ-અનુભવ છે; તે રીતે ધર્મના ક્ષેત્રમાં પણ પ્રથમ ભૂમિકામાં શુદ્ધ ક્રિયા કરવાનું પોતાનું સામર્થ્ય ન હોય તોપણ તે શુદ્ધ ક્રિયા પ્રત્યેના રાગપૂર્વક કરાતી અભ્યાસિક ક્રિયા ક્રમે કરીને શુદ્ધ ક્રિયા બને છે, એ પ્રકારનો ભવાભિનંદી જીવોને સ્વ-અનુભવ છે; આમ છતાં ચૈત્યવંદન વિષયક શુદ્ધ ક્રિયાનું વર્ણન સાંભળીને તેઓને એ સિદ્ધ નથી, અર્થાત્ આ ચૈત્યવંદનની ક્રિયાને હું સમ્યગ્ કરવા યત્ન કરીશ તો કેટલાક સમય પછી પણ મારી આ ક્રિયા અવશ્ય સમ્યગ્ બનશે, એ સિદ્ધ નથી; કેમ કે ભવાભિનંદી જીવોમાં તેવા પ્રકારનો મોહભાવ વર્તે છે, જેના કારણે તેઓને “મારે ધર્માનુષ્ઠાનોને સમ્યક્ કરીને સંસારનો ઉચ્છેદ કરવો છે” એ પ્રકારનો ધર્મ પ્રત્યે બદ્ધ૨ાગ થતો જ નથી, માટે તેઓને ધર્મની ક્રિયા કષ્ટસાધ્ય જણાય તો તે ક્રિયામાં સમ્યગ્ યત્ન કરવાનો પરિણામ થતો નથી, પરંતુ મોહને વશ થઈને તે ક્રિયાનો ત્યાગ કરવાનો પરિણામ થાય છે; કેમ કે ભવાભિનંદી જીવો ધર્મની પ્રવૃત્તિમાં અનુસ્રોત જ ગમન કરવાની પ્રકૃતિવાળા હોય છે અર્થાત્ ધર્મના ક્ષેત્રમાં ગતાનુગતિકપણાથી જ પ્રવૃત્તિ