________________
લિસણ
૧૫૭
માટે મુક્તકેવલી શાસ્ત્રાર્થનો ઉપદેશ આપે છે તેમ કહી શકાય નહીં, અને તેમ સ્વીકારવામાં આવે તો બીજાઓ પણ જે આગમ સ્વીકારે છે તે આગમ પ્રાપ્ત થાય નહીં; કેમ કે આગમની પ્રાપ્તિ કેવલીથી જ થાય છે અને મુક્તકેવલી ઉપદેશ આપી શકે નહીં, માટે તીર્થંકરો જ આગમનો ઉપદેશ આપનારા છે, એમ માનવું જોઈએ.
અહીં કોઈ કહે કે આગમને અકેવલી પ્રણીત સ્વીકારીએ તો શું વાંધો ? તેથી પંજિકાકાર કહે છે – આગમને અકેવલી પ્રણીત સ્વીકારીએ તો વ્યભિચારનો સંભવ છે અર્થાત્ છદ્મસ્થપુરુષથી શાસ્ત્રાર્થની વિપરીત પ્રરૂપણા થવાનો સંભવ છે, માટે આગમને અકેવલી પ્રણીત સ્વીકારી શકાય નહીં.
અહીં પૂર્વપક્ષી કહે કે આગમને અપૌરુષેય સ્વીકારીએ તો શું વાંધો ? તેથી પંજિકાકાર કહે છે – આગમને અપૌરુષેય કેમ સ્વીકારી શકાય નહીં ? તેનું કારણ ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવશે.
વળી, ગ્રંથકારશ્રીએ કહ્યું કે તીર્થકરો ભવ્યજીવોને ધર્મમાં અવતારણ કરનારપણારૂપે પરંપરાએ અનુગ્રહ કરનારા છે, તેથી એ પ્રાપ્ત થાય કે તીર્થકરો ભવ્ય એવા પણ સર્વ જીવોને ધર્મમાં પ્રવર્તન કરનારા થઈ શકતા નથી, શરમાવર્તમાં આવેલા પણ સર્વ ભવ્યજીવોને ધર્મમાં અવતારણ કરનારા થઈ શકતા નથી, પરંતુ જે જીવોના કર્મમલનો તે પ્રકારે અપગમ થયો છે, જેથી તેઓ તીર્થંકરનાં વચનોને ઝીલી શકે તેમ છે, તેવા યોગ્ય જીવોને તીર્થકરો ધર્મમાં પ્રવર્તન કરનારા થઈ શકે છે, અર્થાતુ યોગ્ય જીવોને ઉપદેશ દ્વારા તે પ્રકારનો ક્ષયોપશમ કરાવીને ધર્મમાં પ્રવર્તન કરનારા છે આથી તીર્થંકરો જીવોને પરંપરાએ અનુગ્રહ કરનારા છે.
વળી, પરમ્પરા શબ્દના પંજિકાકારે ત્રણ અર્થ કરેલ છે :
(૧) પરંપરા એટલે વ્યવધાન=અંતર. જીવમાં કલ્યાણની યોગ્યતારૂપ જે ક્ષાયોપશમિકાદિ ભાવવાળો પોતાનો પરિણામ છે તે પરિણામ જીવને અંતર વગર અનુગ્રહનો હેતુ છે, અર્થાત્ મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમને કારણે કે મિથ્યાત્વમોહનીય કર્મની મંદતાને કારણે જીવમાં જે ધર્મ કરવાને અભિમુખ પરિણામ પ્રગટે છે, તે પરિણામ જીવના અંતર વગર ઉપકારનું કારણ છે, અને જીવમાં તેવો અંતરંગ પરિણામ તીર્થકરના ઉપદેશથી પ્રગટે છે, તેથી તીર્થકરનો ઉપદેશ વ્યવધાનથી=અંતરથી, જીવના ઉપકારનું કારણ છે. માટે તીર્થકર તે જીવોને વ્યવધાનરૂપ પરંપરાથી અનુગ્રહ કરનાર છે.
(૨) પરંપરા એટલે અનુબંધ=પ્રવાહ, તીર્થંકર લોકને સન્માર્ગ બતાવીને ભવ્યજીવો પર અનુગ્રહ કરે છે અને તે અનુગ્રહ પ્રવાહથી તે તીર્થંકરના તીર્થના અનુવૃત્તિકાળ સુધી તે તીર્થનું અવલંબન લેનારા સર્વ ભવ્યજીવોને થાય છે. માટે તીર્થંકર તે જીવોને અનુબંધરૂપ પરંપરાથી અનુગ્રહ કરનારા છે.
(૩) પરંપરા એટલે કલ્યાણનો લાભસુદેવત્વાદિની પ્રાપ્તિ તીર્થકરે પ્રરૂપેલ સન્માર્ગને સ્વીકારીને જે જીવો ધર્મનું સેવન કરે છે તે જીવોને ધર્મસેવનના ફળરૂપે સુદેવત્વ આદિની પ્રાપ્તિ થાય છે, અને ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તે રૂપ કલ્યાણનો લાભ તે તે જીવને તીર્થંકરના ઉપદેશથી થાય છે. માટે તીર્થંકર તે જીવોને તત્કાલ ધર્મની પ્રાપ્તિ દ્વારા સુદેવત્વાદિની પ્રાપ્તિરૂપ પરંપરાથી અનુગ્રહ કરનારા છે. III