________________
લલિતવિસ્તરા ભાગ-૧ ભોગનો ઘણો રાગ છે, તેથી ભગવાનના વચનથી વિપરીત એવા સંસારમાર્ગ પ્રત્યે બદ્ધરાગ હોવાને કારણે જેઓમાં અનિવર્તિનીય અસદ્ગહ વર્તે છે, તે જીવો ઉપદેશક દ્વારા બતાવાયેલી પણ ચૈત્યવંદનની અચિંત્યચિંતામણિ તુલ્યતાને પરમાર્થથી સમજી શકતા નથી, આથી જ ચૈત્યવંદનને વિધિપૂર્વક સેવવાને અભિમુખ પણ થતા નથી; કેમ કે ભવના અત્યંત રાગવાળા જીવોને ચૈત્યવંદન પ્રત્યે બહુમાન જ હોતું નથી, ફક્ત પોતાની તુચ્છ પ્રકૃતિથી ચૈત્યવંદનને સેવીને પણ ચૈત્યવંદનની હીનતા જ કરે છે.
વળી, આ ચૈત્યવંદન કેવા પ્રકારનું છે? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે જીવે અનેક લાખો ભવોમાં અનિષ્ટ એવાં દુષ્ટ આઠ કર્મો બાંધ્યાં છે, જેના ફળરૂપે જીવ દુર્ગતિમાં જાય છે અને ત્યાં અનેક પ્રકારનાં પાપો કરીને ફરી ફરી સંસારમાં ભટકે છે. તે સર્વ દુષ્ટ કર્મોનો વિચ્છેદ કરનારું આ ચૈત્યવંદન છે. આવા પ્રકારનો ચૈત્યવંદનનો મર્મ ઉપદેશક બતાવે, છતાં અયોગ્ય જીવો ચૈત્યવંદનને વિધિપૂર્વક સેવતા નથી, કદાચ બાહ્ય રીતે ચૈત્યવંદનને વિધિપૂર્વક સેવે, તોપણ તે ચૈત્યવંદનનાં સૂત્રોમાં બતાવેલા ભગવાનના ગુણો પ્રત્યે આવર્જિત થઈને તે ગુણોને પ્રાપ્ત કરવાના પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદનને સેવતા નથી, પરંતુ પોતાને ઇષ્ટ એવા તુચ્છ ઐહિક આશયથી કે કોઈ પ્રકારના પ્રણિધાન વગર અનાભોગથી ચૈત્યવંદનને સેવે છે.
અહીં વિચારકને જિજ્ઞાસા થાય કે ચૈત્યવંદન અનેક ભવોમાં બાંધેલાં દુષ્ટ કર્મોનો વિચ્છેદ કરનારું કઈ રીતે છે? તેનું તાત્પર્ય એ છે કે સંસારીજીવો સાંસારિક નિમિત્તો પ્રમાણે ભાવો કરીને પોતાને અનિષ્ટ અને દુર્ગતિના કારણભૂત દુષ્ટ એવાં કર્મો બાંધે છે, જેના કારણે તેઓ દુર્ગતિની પરંપરા પ્રાપ્ત કરે છે. વળી, તીર્થંકરો સંસારના સર્વ ભાવોથી પર છે, અને તેવા તીર્થકરો પ્રત્યે જે જીવોને બહુમાન છે, અને તેથી જ તીર્થકરોમાં વર્તતા ઉત્તમકોટિના ગુણોનું સ્વરૂપ બતાવનારા ચૈત્યવંદન સૂત્ર પ્રત્યે જેઓને બહુમાન છે, તે જીવો તેવા જિનગુણ પ્રત્યેના રાગથી આવર્જિત થઈને જ્યારે વિધિપૂર્વક ચૈત્યવંદન કરે છે, ત્યારે તેઓનું ચિત્ત ભગવાનના તે તે ગુણો પ્રત્યેના રાગની અતિશયતાવાળું થાય છે, અને તેઓના ચિત્તમાં જેમ જેમ વિતરાગના ગુણો પ્રત્યેના રાગનો અતિશય થાય છે, તેમ તેમ અવીતરાગભાવથી પૂર્વે બંધાયેલાં તે જીવોના દુષ્ટ કર્મોનો નાશ થાય છે, આથી ચૈત્યવંદન અનેક ભવોમાં બાંધેલાં દુષ્ટ કર્મોનો વિચ્છેદ કરનારું છે.
વળી, અહીં આઠ કર્મોને ‘અનિષ્ટ' અને “દુષ્ટ' કહ્યાં, તેનાથી એ પ્રાપ્ત થાય કે જીવને માટે સર્વ કર્મો અનિષ્ટરૂપ છે; કેમ કે કર્મથી જ જીવને સંસારની વિડંબણાની પ્રાપ્તિ થાય છે. આમ છતાં જે કર્મો જીવને દુર્ગતિમાં પાડે છે તે કર્મો અનિષ્ટ તો છે જ પરંતુ દુષ્ટ પણ છે, અને જે કર્મો જીવને સદ્ગતિમાં લઈ જાય છે તે કર્મો અનિષ્ટ હોવા છતાં દુષ્ટ નથી; કેમ કે તેવા કર્મો જીવને કર્મનો નાશ કરવામાં સહાયક છે, આથી વિધિપૂર્વક ચૈત્યવંદન કરનારા મહાત્મા સુગતિના આધાનનું કારણ બને તેવા કર્મો બાંધે છે અને પૂર્વે બાંધેલાં અનિષ્ટ એવાં દુષ્ટ કર્મોનો નાશ કરે છે. આમ, ચૈત્યવંદનથી બંધાયેલાં કર્મો સંસારના કારણભૂત હોવાને કારણે અનિષ્ટ હોવા છતાં દુષ્ટ નહીં હોવાથી સુગતિની પ્રાપ્તિ કરાવવા દ્વારા સર્વ કર્મોના ઉચ્છેદમાં સહાયક છે, અને દુષ્ટ કર્મોના નાશપૂર્વક કલ્યાણની પરંપરા કરનાર છે, માટે ઇષ્ટ છે. આ પ્રકારે ઉપદેશક સમજાવે, છતાં જે જીવો સંસારથી ઉદ્વેગ પામ્યા નથી, મોક્ષના અર્થી થયા નથી, તેવા અયોગ્ય જીવો પોતાના તુચ્છ આશયથી ચૈત્યવંદનને યથા-તથા સેવીને કે સંસારના જ ભાવોની પ્રાપ્તિના આશયથી