________________
લલિતવિસ્તરા ભાગ-૧
૫૭
વિદ્યાત જ થાય છે અર્થાત્ કોઈ મહાત્માએ મોક્ષનું કારણ બને તેવી અન્ય કોઈ પ્રવૃત્તિ કરીને ઇષ્ટ ફળની પ્રાપ્તિ કરી હોય, પરંતુ પાછળથી તે મહાત્મા યથા-તથા ચૈત્યવંદન કરીને શિષ્ટાચારનો પરિહાર કરે તો તે મહાત્માને ચૈત્યવંદનની પ્રવૃત્તિથી અન્ય એવી ઉચિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થયેલ ઇષ્ટ ફળનો વિઘાત જ થાય છે; કેમ કે યથા-તથા પ્રવૃત્તિથી કરાયેલો અશુભભાવ અન્ય ઉચિત પ્રવૃત્તિથી કરાયેલા શુભભાવના ફળનો નાશ કરે છે, આથી જ સાવઘાચાર્ય શુદ્ધ સંયમને પાળીને એકાવતારી થયેલા, પરંતુ પાછળથી ઉત્સૂત્ર પ્રરૂપણા કરીને શિષ્ટ પ્રવૃત્તિનો પરિહાર કરવા દ્વારા અનંત સંસારી બન્યા, માટે ઉચિત પ્રવૃત્તિ ક૨વાથી જેમ શિષ્ટાચારનું પાલન થવાથી નિર્જરારૂપ ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે, તેમ અનુચિત પ્રવૃત્તિ કરવાથી શિષ્ટાચારનો નિરોધ થવાથી ઇષ્ટ ફળનો વ્યાઘાત થાય છે.
અહીં પ્રશ્ન થાય કે ઉત્સર્ગથી તો જિનવચન અનુસાર કરાયેલું ચૈત્યવંદન જ ઉચિત છે, પરંતુ અધિકારીનો નિર્ણય કર્યા વગર ધર્માનુષ્ઠાન કરાવનાર ઉપદેશકના ઉપદેશ અનુસાર કરાયેલું ચૈત્યવંદન પણ અપવાદથી ઉચિત સ્વીકારી શકાશે, તેના નિવારણ માટે કહે છે -
અપવાદ પણ સૂત્રની અબાધાથી ગુરુ-લાઘવના આલોચનમાં તત્પર હોય છે, અર્થાત્ ગુરુ-લાઘવના આલોચનપૂર્વક જે પ્રવૃત્તિમાં અધિક લાભ હોય તેવી પ્રવૃત્તિરૂપ હોય છે, તેથી તે અપવાદના સેવનમાં અધિકદોષની નિવૃત્તિ થવાથી તે અપવાદ શુભ, શુભના અનુબંધવાળો અને મહાસત્ત્વવાળા જીવોથી સેવન કરાયેલો એવો ઉત્સર્ગવિશેષ જ છે, પરંતુ સૂત્રની બાધાથી નથી.
આશય એ છે કે શાસ્ત્રકારે સાધુને સમભાવની વૃદ્ધિને અનુકૂળ એવી સંયમની જે સર્વ ઉચિત ક્રિયાઓ બતાવી છે, તે ઉત્સર્ગમાર્ગરૂપ છે, અને તેવા કોઈક વિષમ સંયોગોમાં તે ઉત્સર્ગમાર્ગની પ્રવૃત્તિથી સાધુના સમભાવની વૃદ્ધિને અનુકૂળ ધ્યાન-અધ્યયનમાં વ્યાઘાત થતો હોય ત્યારે તે સાધુ ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગના સેવનમાં ગુરુ-લાઘવનો વિચાર કરે છે. તે વખતે તે મહાત્માને અપવાદના સેવનથી પોતાના સમભાવની વૃદ્ધિ જણાય તો તે મહાત્મા ઉત્સર્ગની આચરણાથી વિરુદ્ધ એવી અપવાદની આચરણા કરે છે, તેનાથી અપવાદના સેવનમાં થતા દોષથી અધિક દોષની નિવૃત્તિ થાય છે; કેમ કે તે અપવાદના સેવનથી સ્વાધ્યાયાદિમાં દૃઢ યત્ન થવાને કારણે સમભાવની વૃદ્ધિ થાય છે, માટે તે મહાત્માનું તે અપવાદનું સેવન શુભ છે, શુભના અનુબંધવાળું છે.
વળી, જે મહાત્માઓ ગુરુ-લાઘવનું પ્રામાણિક રીતે સમાલોચન કરીને સૂત્રાનુસાર અપવાદનું સેવન કરે છે, તેઓ મહાસત્ત્વવાળા છે. તેવા મહાસત્ત્વવાળા જીવોથી સેવાયેલો આ અપવાદ ઉત્સર્ગવિશેષ જ છે; કેમ કે ઉત્સર્ગના સેવનથી જે ફળ પ્રાપ્ત ક૨વાનું છે તે ફળની પ્રાપ્તિ તેવા વિષમ સંયોગોમાં થઈ શકે તેમ નહીં હોવાથી તે મહાત્માએ અપવાદના સેવનથી તે ફળની પ્રાપ્તિ કરી, તેથી ઉત્સર્ગના સેવનથી જે ફળની પ્રાપ્તિની અપેક્ષા છે તે ફળની પ્રાપ્તિ અપવાદના સેવનથી થવાથી તે અપવાદ ઉત્સર્ગવિશેષ જ છે. તેની જેમ આ ચૈત્યવંદન સૂત્ર જિનગુણના પ્રણિધાનપૂર્વક વીતરાગભાવને અનુકૂળ અંતરંગ વીર્ય ઉલ્લસિત કરવા દ્વારા વીતરાગતાનું કારણ છે, એ પ્રમાણે જે આરાધક જીવો જાણે છે, તેમજ ભગવાને જે બહિરંગ ઉચિત