________________
પ૯
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા સૂક્ષ્મ-સૂક્ષ્મતર પામી શકે. માટે ઉપદેશકે અધિકારી જીવને ચૈત્યવંદન સૂત્ર આપતા પહેલાં પ્રવચનનું ગાંભીર્ય બતાવવું જોઈએ.
વળી, આ રીતે પ્રવચનનું ગાંભીર્ય બતાવવાથી વિવેકી શ્રોતા અરિહંત ચેઈયા રૂપ ચૈત્યવંદન સૂત્રને ગંભીરતાથી વિચારે તો, તેને બોધ થાય કે આ સૂત્રમાં વંદન-પૂજન-સત્કાર-સન્માન દ્વારા વિતરાગતા પ્રત્યેના બહુમાનભાવની વૃદ્ધિ થાય તેવો યત્ન કરવાનું બતાવેલ છે. તે બહુમાનભાવ બોધિલાભનું અને અંતે નૈશ્ચયિક બોધિલાભનું કારણ છે. નૈયિક બોધિલાભ એટલે અસંગ અનુષ્ઠાનની પ્રાપ્તિ, જેનાથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે, આથી જ અરિહંત ચેઈયાણં સૂત્રમાં “બોહિલાભવત્તિયાએ” અને પછી નિર્વસગ્ગવત્તિયાએ” પદ દ્વારા બોધિના લાભારૂપ ફળ અને અંતે મોક્ષની પ્રાપ્તિરૂપ ફળ બતાવેલ છે, તેમજ તે ફળ વધતી જતી શ્રદ્ધા-મેધા-શ્રુતિ-ધારણા-અનુપ્રેક્ષાપૂર્વક કરાયેલા ચૈત્યવંદનથી થાય છે, એ પ્રમાણે પણ બતાવેલ છે.
આમ, ઉપદેશકના વચનથી અધિકારી જીવને પ્રવચનરૂપ શ્રુતના ગાંભીર્યનો બોધ થયો હોય તો, જ્યારે તેને ચૈત્યવંદન સૂત્ર ભણાવવામાં આવે ત્યારે તે જીવ ચૈત્યવંદન સૂત્રના ગંભીરભાવોને જોવા યત્ન કરે, તેના કારણે આ અરિહંત ચેઈઆણં સૂત્ર બોલતાં બોલતાં જીવ વીતરાગભાવને કઈ રીતે પ્રાપ્ત કરી શકે? તેના કંઈક પરમાર્થનો તેને પોતાની બુદ્ધિ અનુસાર બોધ થઈ શકે; પરંતુ જો ઉપદેશક શ્રોતાને પ્રવચનનું ગાંભીર્ય બતાવેલ ન હોય તો તે પ્રકારના ઊહના અભાવને કારણે શ્રોતા અરિહંત ચેઈઆણે સૂત્રથી પણ તે પ્રકારનો પરમાર્થ પ્રાપ્ત કરી શકે નહીં. માટે ઉપદેશકે ચૈત્યવંદન સૂત્રના પાઠાદિ આપતાં પહેલાં સૌ પ્રથમ અધિકારી જીવને પ્રવચનની ગંભીરતા બતાવવી જોઈએ, જેથી તે અધિકારી જીવ ચૈત્યવંદન સૂત્ર ભણતી વખતે સૂત્રના તે પ્રકારના પરમાર્થને જાણવા માટે યત્ન કરે.
વળી, ઉપદેશકે યોગ્ય શ્રોતાને અન્યદર્શનની સ્થિતિ બતાવવી જોઈએ. આશય એ છે કે સર્વદર્શનકારો જીવને સંસારમાંથી મુક્ત થવાનો જ ઉપદેશ આપે છે, પરંતુ સંસારના પરિભ્રમણને અનુકૂળ ઉપદેશ આપતા નથી; આમ છતાં તે સર્વદર્શનકારોથી નિરૂપણ કરાયેલો ધર્મમાર્ગ પરિપૂર્ણ યથાર્થ નથી, અને તે અન્યદર્શનકારોનો ધર્મ પરિપૂર્ણ યથાર્થ કેમ નથી ? તે ઉપદેશક શ્રોતાની બુદ્ધિ અનુસાર સમજાવવું જોઈએ, જેથી અન્ય સર્વદર્શનો કરતાં જૈનદર્શન વિશેષતાવાળું કઈ રીતે છે તેનો યથાર્થ નિર્ણય કરવા શ્રોતા સમર્થ બને.
વળી, અધિકારી જીવને અન્યદર્શનોની ધર્મવ્યવસ્થા બતાવ્યા પછી ઉપદેશકે તે અન્યદર્શનોથી જૈનદર્શનનું અધિકપણે તેની બુદ્ધિ અનુસાર બતાવવું જોઈએ અથવા તત્ત્વના અર્થી એવા તે અધિકારી જીવે સ્વયં જોવું જોઈએ. અહીં પ્રશ્ન થાય કે અન્યદર્શનોથી જૈનદર્શનનું અધિકપણું કેમ છે ? તે સ્પષ્ટ કરવા પંજિકાકાર કહે છે- -
કષ-છેદ-તાપથી શુદ્ધ એવું જીવ-અજવાદિ નવ તત્ત્વોનું કથન ભગવાનના શાસનમાં જ છે, અન્યત્ર ક્યાંય નથી. તેથી ઉપદેશક તત્ત્વના અર્થી એવા શ્રોતાને તેની બુદ્ધિ અનુસાર ભગવાનના શાસનનું અધિકપણું પ્રામાણિક યુક્તિથી બતાવે, તો તે શ્રોતાને “આ જિનશાસનને બતાવનાર તીર્થકરો લોકોત્તર પુરુષ છે” તેવો નિર્ણય થાય.