________________
૨૨
લલિતવિસ્તાર ભાગ-૧
પ્રગટી હોવાથી સમ્યગ્દષ્ટિ હોય, આવા જીવો ભગવાન પ્રત્યે ભક્તિવાળા થઈને ચૈત્યવંદન કરતા હોય ત્યારે તેઓની ચૈત્યવંદનની ક્રિયા સમ્યકકરણ બને છે, અન્ય જીવોની નહીં, કેમ કે આવા ગુણોથી રહિત જીવો ચૈત્યવંદનના અધિકારી નથી. અને જે જીવો જે પ્રવૃત્તિમાં અધિકારી ન હોય તે જીવો તે પ્રવૃત્તિ સમ્ય કરી શકે નહીં, એ પ્રકારનો નિયમ સર્વ કૃત્યમાં છે, તેથી જેમ સંસારની પણ જે પ્રવૃત્તિમાં જેઓ અધિકારી નથી, તેઓ તે પ્રવૃત્તિને સમ્યફ કરી શકતા નથી, તેમ ચૈત્યવંદનની ક્રિયામાં પણ જેઓ અધિકારી નથી, તે જીવો તે ક્રિયાને સમ્યફ કરી શક્તા નથી.
વળી, આશંસા દોષવાળા જીવો લબ્ધિ આદિ નિમિત્તે બાહ્ય શાસ્ત્રવિધિ અનુસાર ચૈત્યવંદન યથાર્થ કરતા હોય તોપણ તેઓ આશંસા દોષથી દૂષિત હોવાને કારણે, અંતરંગ રીતે ચૈત્યવંદન સૂત્રમાં અપેક્ષિત ભાવો વિષયક અવ્યાપારવાળા હોવાથી અને માત્ર શાસ્ત્રાનુસારી બાહ્ય આચરણામાં વ્યાપારવાળા હોવાથી તેઓ તે ચૈત્યવંદનની ક્રિયાને માયાથી સમ્યફ કરે છે, પરમાર્થથી સમ્યફ કરતા નથી.
અહીં વિશેષ એ છે કે જે જીવોમાં સમ્યક્ત પ્રગટ્યું છે તે જીવોને સર્વજ્ઞવીતરાગ પ્રત્યે અત્યંત ભક્તિ હોય છે; કેમ કે સર્વજ્ઞના વચનથી જ આ સંસારસાગર તરી શકાય છે તેવો તેઓને સ્પષ્ટ નિર્ણય હોય છે અને તેવા જીવો શાસ્ત્રવિધિને જાણીને તે વિધિમાં ઉપયુક્ત હોય, વળી, શ્રીપાલ રાજાને જેમ નવપદના ધ્યાનમાં રાજકન્યા આદિની આશંસા થયેલી તેવી કોઈ આશંસા તેઓમાં વર્તતી ન હોય, ફક્ત ભગવાનના ગુણોથી આવર્જિત થઈને ભગવાનની ભક્તિમાં ઉપયોગવાળા હોય, તેવા જીવોનું જ ચૈત્યવંદન સમ્યફકરણરૂપ બને છે.
વળી, જે જીવોમાં સમ્યક્ત પ્રગટ્યું નથી, છતાં અપુનબંધક દશાવાળા છે અને ચૈત્યવંદનની શાસ્ત્રોક્ત વિધિ જાણીને આશંસા દોષથી રહિત થઈને ભક્તિપૂર્વક ચૈત્યવંદન કરે છે, તેવા જીવોમાં હેતુથી સમ્યક્ત છે અર્થાત્ તેઓમાં સમ્યક્ત સ્વરૂપથી પ્રગટ્યું નથી પરંતુ સમ્યક્તની પૂર્વભૂમિકા વર્તે છે, તેથી તેવા જીવોનું પણ ચૈત્યવંદન હેતુથી સમ્યકુકરણરૂપ બને છે, પરંતુ સમ્યગ્દષ્ટિ જીવો કે અપુનબંધક દશાવાળા જીવો પણ જો ચૈત્યવંદન સૂત્રમાં કહેવાયેલી વિધિમાં ઉપયુક્ત થઈને ચૈત્યવંદન કરતા ન હોય અથવા તો વિધિમાં ઉપયુક્ત હોવા છતાં આશંસાદોષથી રહિત થઈને ચૈત્યવંદન કરતા ન હોય, તો તેઓનું ચૈત્યવંદન સમ્યફકરણરૂપ બને નહીં.
અહીં કહ્યું કે પ્રાયઃ અધિકૃત સૂત્રમાં કહેવાયેલી જ વિધિથી ઉપયુક્ત જીવનું જ ચૈત્યવંદન સમ્યફકરણ બને છે, ત્યાં પ્રશ્ન થાય કે અધિકૃત સૂત્ર તો ચૈત્યવંદન છે અને ચૈત્યવંદન સૂત્રમાં સાક્ષાત્ કોઈ વિધિ કહેવાયેલી નથી છતાં “અધિકૃત સૂત્રોક્ત જ વિધિથી ઉપયુક્ત” એમ કેમ કહ્યું? તેથી પંજિકાકાર કહે છે કે ચૈત્યવંદનસૂત્ર ઉપર પૂર્વના મહાપુરુષોએ જે વ્યાખ્યાન કર્યું છે, અને તે વ્યાખ્યાનમાં જે વિધિ કહેવાઈ છે, તે વિધિને ઉપચારથી ચૈત્યવંદન સૂત્રમાં કહેવાયેલી વિધિ જ કહેવાય છે; કેમ કે ચૈત્યવંદન સૂત્રનું વ્યાખ્યાન એ સૂત્રના અર્થના વિસ્તારરૂપ જ છે, અને તે સૂત્રના અર્થના વિસ્તાર અંતર્ગત જે વિધિ છે તે વિધિ ચૈત્યવંદન સૂત્રની જ છે, એ પ્રકારે ઉપચાર કરાય છે.