________________
૧૮
લલિતવિસ્તરા ભાગ-૧ આ પ્રકારની આશંકા કરીને કહે છે લલિતવિસ્તરાકાર કહે છે – સંપાદના ઇત્યાદિ, તેના સંપાદન માટે=ચૈત્યવંદનના સગફકરણના સંપાદન માટે, અમારો પ્રયાસ છે, એમ અવય છે. ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ચૈત્યવંદનથી પ્રકૃષ્ટ એવો શુભભાવ થાય છે, માટે ચૈત્યવંદન નિષ્ફળ નથી. ત્યાં કોઈ શંકા કરે છે –
ચૈત્યવંદનથી શુભ જ ભાવ થાય છે એવો એકાંત નથી અર્થાત્ ચૈત્યવંદનથી કેટલાક જીવોને શુભભાવ થાય છે, તો કેટલાક જીવોને અશુભભાવ પણ થાય છે એવી અનેકાંત છે.
વળી, આવા અનેકાંત કેમ છે? તેમાં પૂર્વપક્ષી હેતુ બતાવે છે કે કેટલાક જીવો અનાભોગથી ચૈત્યવંદન કરે છે, કેટલાક જીવો માતૃસ્થાનથી ચૈત્યવંદન કરે છે, કેટલાક જીવો ચલચિત્તપણાથી ચૈત્યવંદન કરે છે. અને તે રીતે ચૈત્યવંદન કરવાથી શુભભાવથી વિપરીત એવો અશુભભાવ પણ થતો દેખાય છે.
આનાથી એ ફલિત થાય કે જે જીવો ચૈત્યવંદન વિષયક શાસ્ત્રોક્ત વિધિ જાણવાનો યત્ન કરે છે, જાણીને તે વિધિ અનુસાર ચૈત્યવંદન કરવાના બદ્ધઅભિલાષવાળા છે, અને સ્વશક્તિ અનુસાર શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ચૈત્યવંદન કરે છે, તેઓને ચૈત્યવંદનથી શુભભાવ થાય છે, અને જેઓ ચૈત્યવંદન વિષયક શાસ્ત્રોક્ત વિધિ જાણવાનો કોઈ યત્ન કરતા નથી, પરંતુ સંમૂઢ ચિત્તપણાથી શાસ્ત્રોક્ત વિધિને અનુરૂપ વ્યક્ત ઉપયોગના અભાવવાળા છે, તેઓ અનાભોગથી ચૈત્યવંદન કરે છે, તેથી તેઓને ચૈત્યવંદનની ક્રિયાથી ભગવાનના ગુણોના પ્રણિધાનરૂપ શુભભાવ થતો નથી, માત્ર સમૂઢપણાથી ક્રિયા કરવાથી મોક્ષને અનુકૂળ એવો અસારભાવ થાય છે, માટે તે અનાભોગથી કરાયેલ ચૈત્યવંદનમાં અશુભભાવ દેખાય છે. વળી, કેટલાક જીવો બીજાને દેખાડવા માટે માયાથી ચૈત્યવંદન કરે છે, અને માયાનો પરિણામ સંસારના જન્મનું કારણ હોવાથી દોષરૂપ છે, તેથી માયાથી કરાયેલ ચૈત્યવંદનમાં અશુભભાવ વર્તે છે. વળી, કેટલાક જીવો ચલચિત્તપણાથી ચૈત્યવંદન કરે છે અર્થાત્ ચૈત્યવંદનના ક્રિયાકાળમાં શાસ્ત્રવિધિ અનુસાર સ્થાન-વર્ણ-અર્થઆલંબનમાં માનસવ્યાપાર કરતા નથી, પરંતુ ચલચિત્તપણાથી અન્ય ઉપયોગવાળા હોય છે, તેઓને પણ ચૈત્યવંદન સૂત્રના અર્થજન્ય કોઈ ભાવ નથી, પરંતુ અન્ય પદાર્થ વિષયક જે પ્રકારનો ઉપયોગ વર્તે છે, તે પ્રકારનો ભાવ છે, માટે ચલચિત્તપણાથી કરાયેલ ચૈત્યવંદનમાં પણ શુભભાવ નથી અર્થાત્ મોક્ષને અનુકૂળ ભાવ નથી, પરંતુ સંસારને અનુકૂળ અન્ય કોઈ ભાવ વર્તે છે, આથી ચૈત્યવંદનથી શુભ જ ભાવ થાય છે, તેવી નિયતવ્યાપ્તિ નથી, એ પ્રકારનો શંકાકારનો આશય છે.
પંજિકામાં “માતૃસ્થાન' શબ્દનો અર્થ કરતાં કહે છે કે સંસારમાં જેમ માતા પોતાના પુત્રના દોષો ઢાંકે છે અને પુત્રના જન્મનો હેતુ છે, તેમ ચૈત્યવંદનકાળમાં જીવમાં વર્તતો માયાનો પરિણામ જીવ ભગવાનની ભક્તિ કરતો ન હોય તોપણ ભગવાનની ભક્તિ કરે છે તેવું દેખાડવા યત્ન કરે છે, તેથી જીવમાં વર્તતી માયા જીવના દોષોને ઢાંકે છે અને માયાથી કરાતું ચૈત્યવંદન સંસારની ઉત્પત્તિનું કારણ હોવાથી જીવના જન્મનું કારણ છે, માટે માયા માતા જેવી છે, આથી અહીં માયાને “માતૃસ્થાન” કહેલ છે.