Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરે છે. દ્રવ્યકર્મના નિમિત્તે ભાવકર્મ ઉદિત થાય છે અને ભાવકર્મના નિમિત્તે દ્રવ્યકર્મ બંધાય છે. જીવ અનંત કાળથી આ ઘટમાળમાં આવર્તન કરી રહ્યો છે. જીવ સદા રાગદ્વેષરૂપ પરિણામો કર્યા જ કરે છે. આ પ્રમાણે અનાદિ કાળથી થતું આવ્યું છે અને વર્તમાનમાં પણ હજુ કર્મો કરવારૂપ દોષ ચાલુ છે. જો આ દોષ ન ટળે તો મોક્ષ થાય નહીં. અનાદિ કાળથી આ દોષ પ્રવર્તે છે અને વર્તમાનમાં આ દોષ વિદ્યમાન છે, તેથી શિષ્યને એમ સંશય થાય છે કે આ દોષ ટળવારૂપ મોક્ષ થઈ શકે નહીં. જો જીવનો મોક્ષ થતો હોત તો આજ સુધીમાં થઈ જવો જોઈતો હતો. જીવ અનંત કાળથી કર્મ કરતો-ભોગવતો આવ્યો છે, પણ તેનો હજી સુધી મોક્ષ થયો નથી; તેથી એમ લાગે છે કે મોક્ષ જેવું કંઈ છે જ નહીં. જીવ કર્મ કરે છે અને ભોગવે છે. આવું અનંત કાળથી થતું આવ્યું છે તો પણ જીવ મુક્ત થયો નથી, તેથી સર્વ કર્મથી મુક્ત થઈ શકાય એમ જણાતું નથી. અનંત કાળમાં જે નથી થયું તે હવે કઈ રીતે થઈ શકે? અર્થાત્ જીવનો કર્મથી નિવૃત્ત થવારૂપ મોક્ષ શિષ્યને અસંભવિત ભાસે છે.
અનંત કાળ વીત્યો તોપણ જીવનો કર્મ કરવારૂપ દોષ હજુ એમ ને એમ જ છે, માટે એનો મોક્ષ કઈ રીતે થાય? આ જીવ કર્મોનો કર્તા-ભોક્તા ભલે હોય, પરંતુ તેનો મોક્ષ થાય છે એ વાત બરાબર નથી, કારણ કે અનંત કાળ વીતી ગયો તોપણ કર્મો બાંધવાનો જે દોષ છે તે તો હજુ વિદ્યમાન જ છે. જીવ કર્તા અને ભોક્તા છે એ ખરું, પણ તેનો મોક્ષ નથી, કારણ કે પાર વિનાનો વખત પસાર થઈ ગયો છે તોપણ કર્મબંધમાં કારણભૂત એવા વિકાર હજી તેનામાં રહેલા છે.
શિષ્યને જીવનું કર્તા-ભોક્તાપણું સમજાયું છે અને વર્તમાનમાં પણ એ દોષ છે. એમ પણ સમજાયું છે, તેથી તેને આ શંકા જાગી છે. વિચારણા કરતાં તેને લાગે છે કે અનંત વાર મુનિદીક્ષા લીધી છતાં પણ દોષ ટળ્યો નહીં, અનંત પ્રયત્નો કર્યા છતાં તે દોષ દૂર થયો નહીં; તેથી એમ સિદ્ધ થાય છે કે જીવ રાગી છે. તેને રાગ થયો છે, થાય છે અને થવાનો છે; અને તેથી તેણે કર્મ બાંધ્યાં હતાં, આજે પણ તે કર્મ બાંધે છે અને ભવિષ્યમાં પણ તે કર્મ બાંધવાનો છે. વળી, એ બાંધેલાં કર્મ ભોગવતાં તે ફરી નવાં કર્મ બાંધશે. કર્મ કરવાનું અને ભોગવવાનું આ ચક્ર અનાદિથી ચાલ્યા કરે છે અને ચાલ્યા જ કરવાનું છે. કર્મ કરવાં અને તેનાં ફળ ભોગવવાં એવો વ્યવહાર અનાદિ કાળથી ચાલતો આવ્યો છે અને અનંત કાળ પછી પણ ચાલતો રહેશે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
અનંત એવો ભૂતકાળ વીતી ગયો, અનંતા પુદ્ગલપરાવર્ત થઈ ગયા, દ્રવ્યથી - ક્ષેત્રથી - કાળથી - ભવથી અને ભાવથી અનંત પરાવર્ત થઈ ગયા, અનંતા ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ અનંતા કાળચક્ર ફરી ગયાં, અનંત જન્મમરણરૂપ અનંતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org