________________
૫૪
છીએ એમ ભાસ્યા વિના ન રહે અને તેને પગલે ચાલવાથી જ સાચું સુખ જરૂર પામીશું એવી દૃઢતા હ્દયમાં જામતી જાય અને નિર્બળતા દૂર થાય. (બો-૩, પૃ.૫૨૧, આંક ૫૬૬)
પરમકૃપાળુદેવને જેણે હૃદયમાં ઉચ્ચ સ્થાન આપી તેનું જ સાચા અંતઃકરણે શરણું સ્વીકાર્યું છે અને તે પણ સંતના કહેવાથી, તેની સાક્ષીએ જો આશ્રય ગ્રહણ થયો તો તેનાં અહોભાગ્ય છે. દેહ અને વેદનાઓ, આવી અને આથી અનંતગણી જીવે જોઇ છે. માત્ર તેને અવગણી, કેવળ અર્પણભાવ મરણ સુધી ટકાવવાનું જીવ શીખ્યો નથી. તે આ ભવમાં કરી લેવાનું છેજી.
ગમે તેવા પ્રસંગે, અસાધ્ય વેદનીમાં પણ ‘નબદું, નબદું, તે નબદું.'' દેહ અને દેહની સર્વ અવસ્થાઓથી ભિન્ન મારું સ્વરૂપ પરમકૃપાળુદેવે કહ્યું છે અને તેમ કરી બતાવ્યું છે; તો માથું મૂકીને તે જ માનું, તેને જ શરણે જીવું અને તેને જ શરણે મરું; પણ બીજા ભાવો મારે મારા માનવા જ નથી. જે સ્વરૂપ જ્ઞાનીએ જાણ્યું છે, અનુભવ્યું છે, પ્રગટ તે જ રૂપ થયા છે, તે જ મારું સ્વરૂપ છે એ નિઃશંકપણે માનું છું.
તેની સ્મૃતિ માટે મને અનંત કૃપા કરી, સંત મહાત્માએ સ્મરણ આપી જે ઉપકાર કર્યો છે, તેનો બદલો કોઇ રીતે વળે તેમ નથી. માત્ર મરણના છેલ્લા સમય સુધી તેને વિસારું નહીં એ જ એનો વિનય, ભક્તિ, વ્રત કે ધર્મ છે. આ હવે નહીં ચૂકું એટલો નિશ્ચય અવશ્ય કર્તવ્ય છેજી. આ રહસ્યભૂત મતિ મને અંતે હો. (બો-૩, પૃ.૫૨૪, આંક ૫૭૧)
— પરમકૃપાળુદેવમાં નિઃશંકપણે શ્રદ્ધા અને તેને આશ્રયે જીવવાનો અને દેહ તજવાનો નિર્ણય રાખી, નિર્ભયતા અને તેના ફળરૂપ નિઃસંગતા આરાધતા રહેવા ભલામણ છેજી.
પોતાનું છે તે નાશ પામનાર નથી અને જે છૂટી જવાનું છે તે પોતાનું નથી; આટલી વાતની જેને દૃઢતા થઇ જાય તેને મરણનો ડર લાગે નહીં, મોહ તેને સતાવે નહીં. સત્પુરુષ પરમકૃપાળુદેવ પ્રત્યે દિન-પ્રતિદિન દૃઢ પ્રેમભક્તિ વધતી રહે અને તેને શરણે નિર્ભયતા અને સત્પુરુષાર્થની વૃદ્ધિ થતી રહે તેમ વર્તવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૫૨૬, આંક ૫૭૪)
D પરમકૃપાળુદેવનું શરણ મને-તમને અખંડ એકધારાએ સદાય રહો. કાયા-વચનથી પૂર્વ પ્રારબ્ધ અનુસાર વર્તવું થાય છતાં ભાવ તો પરમકૃપાળુદેવના ચરણમાં રમ્યા કરે, એવી ભાવના અને વર્તના યથાશક્તિ કર્તવ્ય છેજી.
નિમિત્તાધીન વૃત્તિ પલટાઇ જાય છે, તે હજી જીવની ખામી દર્શાવે છે. બાહ્ય પ્રસંગોની પ્રીતિ સાવ ઘટી જઇ વૈરાગ્ય, ઉદાસીનતા, વિરહવેદના, પ્રેમભક્તિ પરમકૃપાળુદેવ પ્રત્યે વર્ત્યા કરે તેવા પુરુષાર્થની જરૂર છેજી. (બો-૩, પૃ.૫૩૯, આંક ૫૮૯)
D આ કાળના અલ્પ આયુષ્યનાં ઘણાં વર્ષો તો વહી ગયાં, તેમાં કંઇ સાર્થક થયું નહીં. હવે જે કંઇ બાકી છે, તેમાં જે પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા થઇ છે, તે જીવનના અંત સમય સુધી ટકી રહે તો તે મહાપુરુષને આશ્રયે આ દેહ છૂટે અને સ્વરૂપસ્થિતિ અલ્પકાળમાં થાય તેવું છે.
તેઓશ્રીએ પોતે જ લખ્યું છે :
‘ઇશ્વરેચ્છાથી’ જે કોઇ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ.''
""