________________
આત્મવિકાસની યાત્રા
આપણા આ પ્રશ્નોના ઉત્તર, થતી મુંઝવણ માટે માર્ગદર્શન આપણને મળી રહે છે. પૂ. સરયુબેન રચિત “શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ-૧માંથી. ત્રણ શબ્દનાં આ શીર્ષકમાં સરયુબેન પોતાના આત્માનુભવની અનુભૂતિ શબ્દસ્થ કરતા હોય એવી લાગણી થાય છે. અને આત્માનુભવની યાત્રા કરવા તેઓ આપણને નિમંત્રણ આપતા જણાય છે.
કેવું સરસ, સરળ અને મનભાવન શીર્ષક છે! “શ્રી કેવળી પ્રભુનો સાથ”! ચાલો આપણે સહુ આ યાત્રામાં જોડાઈ જવાનો પુરુષાર્થ કરીએ.
આ ગ્રંથનું પ્રથમ પ્રકરણ “ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ' છે. જૈન દર્શન અનુસાર વર્તમાન અવસર્પિણી કાળના ચોથા આરામાં ચોવીશ તીર્થંકર પ્રભુ થયા છે. આ ચોવીશ તીર્થકર વિશે જૈન સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં ખેડાણ થયું છે. છેલ્લાં પાંચસો વર્ષના ગાળામાં જૈન સાધુકવિઓએ ચોવીશે તીર્થકર વિશે અનેક પદ્યરચનાઓ કરી છે. ચોવીશીનું ખેડાણ અમૂલ્ય છે. ચોવીશી એટલે ચોવીશે તીર્થંકર પ્રભુના ગુણોની સ્તવના; જેમાં ભક્તકવિ ભાવપૂર્વક પોતાનાં હૃદયની પ્રભુમિલનની ઝંખના, વિયોગની વેદના, પ્રભુ પ્રત્યેનો સમર્પણભાવ, દાસભાવ ઇત્યાદિ વ્યક્ત કરે છે. અરે! કેટલીકવાર તો કવિ પ્રભુને ઉપાલંભ પણ આપતા હોય છે.
જૈન સાહિત્યમાં અવધૂત કવિ ‘આનંદઘનજીની ચોવીશી' એટલે પ્રેમલક્ષણાભક્તિ, જ્ઞાન, ધ્યાન અને યોગનો સમન્વય. શ્રી ઉપાધ્યાય યશોવિજયજીની ચોવીશી એટલે નિર્ભેળ પ્રભુભક્તિ અને પ્રભુના ગુણોની સ્તવના, શ્રીમદ્ દેવચંદ્રજીની ચોવીશી એટલે દ્રવ્યાનુયોગનું નિરૂપણ. આમ ઘણા સાધુમુનિઓએ શ્રી તીર્થકર પ્રભુ વિશે કાવ્યરચનાઓ કરી જનસમાજ પર ઘણો ઉપકાર કર્યો છે.
પરંતુ સરયુબેન ‘ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ'માં ગદ્યકાવ્ય રચે છે. અહીં તેઓ સરળ રીતે તીર્થંકર પ્રભુનાં નામનો વિશેષ અર્થ સમજાવે છે, ત્યાર બાદ શ્રી પ્રભુને વંદના કરી, પ્રભુના ગુણોની વિશેષતા જણાવી, પોતાની અલ્પતાનું ભાન કરાવે છે. આ ભવાટવિમાં, ભવભ્રમણમાં ભમતા જીવે અજ્ઞાનપણામાં ભોગવેલી વેદનાને વાચા આપે છે. શ્રી તીર્થકર પ્રભુ કે જેઓ જીવનની સાર્થકતાના જ્ઞાતા છે, તેમની કૃપા, તેમનું માર્ગદર્શન મેળવવાની પ્રાર્થના કરે છે, અને આ પ્રાર્થનામાં પ્રભુ પાસે સન્માર્ગનું દાન તેઓ માગે છે.
આ પ્રકરણમાં લેખિકા પ્રથમ તીર્થંકર પ્રભુ શ્રી આદિનાથથી શરૂ કરી ચોવીશમાં તીર્થકર પ્રભુ શ્રી મહાવીર સ્વામી સુધીના કાળનો પરિચય પણ કરાવે છે. અને
xxix