Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
સ્યાદ્વાદવિચારણા, નયવિચારણા, ત્રીજા અને પાંચમા સ્તવનમાં ઉપનય સહિતના કેટલાક દૃષ્ટાંતો ઈત્યાદિ સામગ્રીથી પ્રસ્તુત પ્રકાશન અલગ પ્રકાશ પાથરનાર બની રહે એમ છે.
આનંદઘન પદ વિવરણમાં શ્રીયુત્ ખીમજીબાપાની હસ્તલિખિત નોંધનું આલંબન હતું. પરંતુ સ્તવનના વિવરણની એમની નોંધમાં આગવુ વિશિષ્ટ ઊંડાણ ન જણાતા, જ્યાં જ્યાં એમના વિકલ્પો લીધા છે ત્યાં ત્યાં એઓશ્રીના નામનો ઉલ્લેખ અવશ્ય કર્યો છે. બાકી પ્રસ્તુત નિર્માણનું સહજાસહજ કર્તૃત્વ, નેતૃત્વ અને દિગ્દર્શન પ.પૂ.પં. પ્રવર ગુરૂદેવશ્રી મુક્તિદર્શનવિજયજીનું જ છે.
એઓશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રથમ ચૌદ સ્તવનોના વિવરણમાં મારું એટલે કે સૂર્યવદનનું યોગદાન છે.
સ્તવન અઢારની પ્રથમ ચારેક કડી તથા સ્તવન બાવીશના વિવરણમાં યોગગ્રંથોના અભ્યાસી સાન્તાક્રુઝ (પૂર્વ) નિવાસી શ્રીયુત ગુણવંતભાઇ સી. શાહનું યોગદાન છે.
સ્તવન ત્રેવીશના વિવરણમાં વિદુષી સાધ્વીજી ભગવંત પૂ. નંદીયશાશ્રીનું યોગદાન છે કે જેમણે સંપૂર્ણ વિવરણ ચકાસી આપી જરૂરી સુધારા વધારા સૂચવવાની જહેમત પણ લીધી છે.
મારા પોતાના વિવરણની પાર્શ્વભૂમિકામાં મારા ઉપકારી આત્મજ્ઞાનદાતા · બ્રહ્મશ્રોત્રીય સ્વરૂપચિંતકશ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધી છે. કેટલાક પત્રાંતે ટાંકેલ વિચારણીય વિચાર એમના જ ચિંતનનું દોહન છે કે જેના ઉપરથી એમના ગહનચિંતનની આછી ઝલક મળશે.
ઉપરાંત સ્તવન નવ અને ઓગણીસની પૂર્વભૂમિકા તથા સ્તવન દશમાંની પંચ કલ્યાણક વિષેની પરિકલ્પના, વર્તમાનના પરમ આર્હતોપાસક જ્ઞાની ભક્તયોગી શ્રીયુત્ ગિરીશભાઈ તારાચંદ મહેતાની છે.
છઠ્ઠા સ્તવનમાંની કર્મવિષયક વાતો, અગિયારમાં સ્તવનમાંની કર્મધારાજ્ઞાનધારા, વિવેક, નાસ્તિકતા-આસ્તિકતા-ધાર્મિકતા, નિક્ષેપા, ઇચ્છાકામ-મદનકામસંધીકામની પરિકલ્પના વિદુષી સાધ્વીજીભગવંત પૂ. નંદીયશાશ્રીજીની છે.
મારા પોતાના લખાણને સંસ્કારિત કરી ઓપ આપવાનું કાર્ય પૂજ્ય ગુરૂદેવશ્રીએ કરેલ છે. લખાણ બારીકાઇથી ચકાસી આપવાનું શ્રમદાયી કાર્ય પૂ.મુનિરાજ પ્રશમરતિવિજયજી અને પૂ. સાધ્વીજી નંદીયશાશ્રીએ કર્યું છે.