________________
૨૭
કર્મનો કર્તા છે. પરંતુ જ્યારે જીવ પોતાને પરરૂપ અને પરને પોતાનારૂપ નથી કરતો, ત્યારે તે કર્મોનો અકર્તા થયો થકો સર્વ કર્તૃત્વને છોડે છે.
વ્યવહારથી આત્માને ઇન્દ્રિયોનો, ઘટ-પટાદિવસ્તુઓનો, શરીરાદિનોકર્મનો અને અનેક પ્રકારના ક્રોધાદિ દ્રવ્યકર્મોનો કર્તા કહેવામાં આવે છે; પણ આ ઉચિત નથી કારણ કે જો આત્મા પરદ્રવ્યોનો કર્તા થાય તો તે નિયમથી તન્મય (પરદ્રવ્યમય) થઈ જાય, પરંતુ તે તન્મય નથી થતો, એટલે એ એનો કર્તા નથી થઈ શકતો.
આત્મા પુદ્ગલકર્મના દ્રવ્ય અને ગુણોને નથી કરતો એટલે એ પુદ્ગલનો કર્તા નથી. જે દ્રવ્ય જે દ્રવ્ય અને ગુણમાં રહે છે, એ અન્ય દ્રવ્ય અને ગુણમાં સંક્રમણને પ્રાપ્ત ન થયો થકો દ્રવ્ય અન્ય દ્રવ્ય અને ગુણના પરિણમન કેવી રીતે કરાવી શકે ? એટલે સિદ્ધ થાય છે કે એક દ્રવ્ય (જીવ) અન્ય દ્રવ્ય -પુદ્ગલ -ના પરિણમનનો કર્તા નથી. પરંતુ જીવના નિમિત્તભૂત હોવાથી કર્મબંધના પરિણામ થતા જોઈને ‘જીવે કર્મ કર્યું ’ એવું વ્યવહારથી કહેવામાં આવે છે. વ્યવહારનયથી આત્માને પુદ્ગલદ્રવ્યને ઉત્પન્ન કરવાવાળો (કર્તા), બાંધવાવાળો, પરિણામ કરવાવાળો અને ગ્રહણ કરવાવાળો કહે છે. વ્યવહારનયથી જ જીવને પુદ્ગલદ્રવ્યના દ્રવ્ય-ગુણને ઉત્પન્ન કરવાવાળો પણ કહેવામાં આવે છે.
આત્મા તો યોગ અને ઉપયોગનો કર્તા છે, જો કે તે પરદ્રવ્યોના કર્તૃત્વમાં નિમિત્ત હોય છે. આત્મા જે શુભ યા અશુભ ભાવોને કરે છે એ ભાવનો એ કર્તા થાય છે, એ એનું કર્મ હોય છે અને આત્મા એ ભાવરૂપ કર્મનો ભોક્તા પણ હોય છે.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ - એ ચાર પ્રકારના પ્રત્યય બંધના સામાન્યકારણ છે. એના તેર પ્રકારના ભેદ છે, જો કે અચેતન છે કારણ કે પુદ્ગલકર્મના ઉદયથી થાય છે. આ ‘ગુણ’ નામક પ્રત્યય કર્મ કહે છે. એટલે સ્પષ્ટ છે કે ‘ગુણ’ જ કર્મોનો કર્તા છે. આત્મા તેનો કર્તા તથા ભોકતા નથી.
જીવના ઉપયોગ અને ક્રોધાદિ અન્ય અન્ય છે, અનન્ય નથી. ઉપયોગની જેમ ક્રોધાદિને પણ જીવથી અનન્ય માનવાથી જીવ અને અજીવનું અન્યત્વ સિદ્ધ થઈ જશે, જેનાથી જગતમાં જે જીવ છે એ નિયમથી અજીવ સિદ્ધ થશે, પણ એ તો પ્રત્યક્ષ વિરુદ્ધ જ છે.
પ્રત્યય, નોકર્મ અને કર્મને જીવથી અનન્ય માનવાથી પણ ઉપર પ્રમાણે દોષ આવશે. એટલે એ પણ ક્રોધાદિની જેમ આત્માથી ભિન્ન છે.
આના પછી આચાર્ય પ્રકૃત્તિ-પુરુષને અપરિણામી માનવાવાળા સાંખ્યમતને પ્રસ્તુત કરતાં એમાં વિપ્રતિપત્તિનું પ્રદર્શન કર્યા પછી પુદ્ગલદ્રવ્યનું પરિણામ સ્વભાવ સિદ્ધ કરે છે.
પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં નથી બંધાયો અને કર્મભાવથી સ્વયં નથી પરિણમ્યો - એવું માનવાથી પુદ્ગલ અપરિણામી સિદ્ધ થાય છે. એટલે કાર્યણવર્ગણાઓ કર્મભાવથી પરિણમિત નહિ હોવાથી સંસારનો અભાવ સિદ્ધ થાય છે. આ પ્રમાણે સાંખ્યમતનો પ્રસંગ આવે છે.