________________
૨૬
હું તો નિશ્ચયથી એક, શુદ્ધ, નિર્મમ અને જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છું અને એમાં જ લીન રહેતો થકો સર્વ ક્રોધાદિ આસવોનો ક્ષય કરું છું.
જે આત્મા કર્મના પરિણામ અને નોકર્મના પરિણામને નથી કરતો, માત્ર જાણે છે, એ જ્ઞાની છે. એટલે જ્ઞાની અનેક પ્રકારના પુદ્ગલકર્મોને, પુદ્ગલકર્મના અનંત ફળને અને અનેક પ્રકારના પોતાના પરિણામોન જાણતો થકો નિશ્ચયથી પરદ્રવ્યની પર્યાયમાં પરિણમિત નથી થતો, એને ગ્રહણ નથી કરતો, એ રૂપ ઉત્પન્ન નથી થતો; અને એ જ રીતે પુદ્ગલદ્રવ્ય પણ પોતાના ભાવોથી પરિણમન કરતો થકો પરદ્રવ્યની પર્યાયરૂપ પરિણમિત નથી થતો, એને ગ્રહણ નથી કરતો અને એ રૂપ ઉત્પન્ન નથી થતો. આ પ્રમાણે સ્પષ્ટ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ પરિણમિત નથી થતો.
જીવ અને પુદ્ગલમાં કર્તા-કર્મ સંબંધ નથી, એમાં તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, કારણ કે પરસ્પર નિમિત્તથી બન્નેના પરિણામ થાય છે. પુદ્ગલ જીવના પરિણામના નિમિત્તથી કર્મરૂપ પરિણમિત થાય છે અને જીવ પુદ્ગલકર્મના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમન કરે છે. જીવ કર્મોના ગુણો નથી કરતો, પરંતુ પરસ્પર નિમિત્તથી બન્નેના પરિણમન થાય છે. એટલે સ્પષ્ટ છે કે નિશ્ચયનયથી આત્મા પુદ્ગલકર્મી કરવામાં આવતા સમસ્ત કર્મોનો કર્તા નથી, પરંતુ પોતાના ભાવોનો જ કર્તા છે, ભોક્તા છે અને વ્યવહારનયથી આત્મા અનેક પ્રકારના પુદ્ગલકર્મોનો કર્તા અને ભોક્તા છે.
જો આત્માને આત્મા અને પુદ્ગલકર્મ બન્નેના ભાવોનો કર્તા-ભોક્તા માનવામાં આવે તો આત્મા બે ક્રિયાઓમાં અભિન્ન થાય, જે સંભવ નથી.
મિથ્યાત્વ બે પ્રકારનું છે. જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ. આ પ્રમાણે અજ્ઞાન, અવિરતિ, યોગ, મોહ અને કષાય પણ બે બે પ્રકારના છે. જીવ અજ્ઞાન, અજીવ અજ્ઞાન, જીવ અવિરતિ, અજીવ અવિરતિ, જીવ યોગ, અજીવ યોગ, જીવ મોહ, અજીવ મોહ, જીવ કષાય, અજીવ કષાય.
આમાં જે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ અજીવમય છે એ પુદ્ગલકર્મરૂપ છે; જે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ જીવમય છે એ ચૈતન્યના પરિણામરૂપ ઉપયોગમય છે.
નિશ્ચયનયથી ઉપયોગ શુદ્ધ, નિરંજન અને એક છે; પરંતુ અનાદિથી મોહયુક્ત હોવાથી મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ - આ ત્રણે વિકાર પરિણામ અનાદિથી ઉપયોગના છે. આ વિકારમય ઉપયોગ જે વિકારી ભાવોને કરે છે, એ ભાવનો એ કર્તા છે.
આત્મા ભાવને કરે છે, એ ભાવનો એ કર્તા થાય છે. આત્માના કર્તા હોવાથી પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે કર્મરૂપ પરિણમિત થાય છે.
આ ત્રણ પ્રકારનો ઉપયોગ જ્યારે ક્રોધાદિ કષાયોમાં ‘હું ક્રોધ છું’ એ પ્રકારે તથા ધર્માદિ દ્રવ્યોમાં ‘હું ધર્મદ્રવ્ય છું’ એ પ્રકારે આત્મવિકલ્પ કરે છે, ત્યારે આત્મા એ ઉપયોગરૂપ પોતાના ભાવોનો કર્તા થાય છે. આ પ્રમાણે અજ્ઞાની પોતાના અજ્ઞાન ભાવથી પોતાને પરરૂપ અને પરને પોતારૂપ કરે છે, એટલે એ