________________
૩૧
શું સાઘન બાકી રહ્યું ! રમણતા) અનુભવે છે; એવા યોગને પામેલો યોગી યુગોયુગ જીવે છે, અમર થાય છે. “અબ હમ અમર ભયે, ન મરેંગે.”
પરપ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બોજ ગ્લાનિ કહે,
નિજકો અનુભૌ બતલાઈ દિયે. ૮ પ્રભુ પ્રત્યેનો અલૌકિક પ્રેમ દિવસે દિવસે વૃદ્ધિ પામે. જેમ નદીનો પ્રવાહ હોય તે ક્યાંય મળી ન રહેતાં વધુ ને વધુ જોશથી આગળ વધે, તેવી રીતે ભક્તિ પ્રેમ વર્ધમાન થાય તેમ તેમ યોગ્યતા આવે. એનું નામ જ સ્વધર્મ છે. ગમે તેવો પાપી હોય તે પણ આ પ્રેમપ્રવાહથી પવિત્ર બની જાય છે. દૃઢપ્રહારી એક નિશ્ચયે અડગ રહ્યા તો સર્વ કર્મની નિર્જરા કરી નાખી. તેમ આત્મપ્રાપ્તિ માટે સર્વાર્પણપણે પૂરા પ્રેમથી સત્પષની ઉપાસના કરતાં કર્મનો ક્ષય થાય એ શ્રદ્ધા, એ પ્રેમ, એ જ માર્ગ છે. તે સમજાવવા માટે જ બઘાં શાસ્ત્રો લખાયાં છે. એ હોય તો શાસ્ત્રો વાંચતાં પોતાને તેવો જ અનુભવ છે એમ જણાય. પ્રભુશ્રીજીને એવી અપૂર્વ ભક્તિ હતી તેથી ગમે તે શાસ્ત્ર પોતે સમજી શકતા અને કહેતા કે “શાસ્ત્રોનું કથન અમને સાખ પૂરે છે.” એવો પરમ પ્રેમ તે જ શ્રદ્ધા–સમકિત છે. ત્યાંથી જ મોક્ષની શરૂઆત છે. તેને જ જ્ઞાનીઓએ કેવલજ્ઞાનનું બીજ કહ્યું છે. એવો દ્રઢ પ્રેમ જ્ઞાની પ્રત્યે થતાં આત્મદર્શન પમાય છે. જ્યાં આત્મજ્ઞાન પ્રકાશે છે તે પ્રત્યે અપૂર્વ પ્રેમ આવતાં, ત્યાં ધ્યાન સ્થિર થતાં આત્મદર્શન પમાય છે–પોતાના આત્માનો અનુભવ પ્રગટે છે. સમાધિશતકમાં કહ્યું છે કે –