________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૪૯
ઉપશમાવવા શું કરે ? કષાય વેદાય તેને આત્માના શત્રુ જાણે ને દૂર કરવા ક્ષમા આદિ ધારણ કરે. હું કષાય કરીશ તો મને જ કર્મ બંધાશે. વળી કોઈ નિંદા વગેરે કરે કે દુઃખ આપે તો તેમાં પોતાનો દોષ હોય તો વિચારી કાઢી નાખે. દોષ ન હોય તો તે પૂર્વ કર્મનું ફળ જાણી સમતા રાખે, કર્મ નિર્જરી જાય છે એમ જાણી સંતોષ રાખે, અને વૃત્તિને ધર્મધ્યાનમાં વિશેષપણે રોકે. એ રીતે અભ્યાસ કરતાં કષાય મંદ પડે એટલે કે ઉપશાંત થાય ત્યારે આત્માર્થ વિચારવાનો અવકાશ મળે. મૈત્રી પ્રમોદ આદિ ચાર ભાવના ભાવે. એમ કષાયને દુઃખના હેતુ જાણી છોડે. ઉપશમાવે—ઘટાડે, ક્ષય કરે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા મોક્ષના પુરુષાર્થમાં શિથિલ કરે છે તેથી સર્વ સંસારને એકાંત દુઃખરૂપ જાણી કર્મબંધ રહિત મોક્ષસુખ પામવા ઇચ્છા, પ્રયત્ન કરે. તેમ જ સાથે પ્રાણીમાત્ર પર દયા હોય. પોતા સમાન સર્વ જીવને ગણી અંતઃકરણ કોમળ કરે. અભિમાન ત્યાગે. આ લક્ષણો હોય ત્યાં આત્માર્થ એટલે મુમુક્ષુ દશા પ્રગટે છે. (૩૮)
દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯
અર્થ :— જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મભાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંત૨ોગ ન મટે. (૩૯)
ભાવાર્થ :— આવી દશા ન આવે એટલે કે ઉપર દર્શાવેલી યોગ્યતા—કષાયની મંદતા, મોક્ષ સિવાયના સંસારસુખની અભિલાષાનો ત્યાગ, સંસારના સુખો દુઃખરૂપ અહિતકારી લાગે,