________________
૨૧૪
નિત્યનિયમાદિ પાઠ “આત્મા છે” એ પદ વિષે શિષ્ય કહે છે કે સદ્ગુરુના ઉપદેશથી મને આત્માનું અપૂર્વ ભાન થયું છે. સમકિત= આત્માનો અનુભવ થયો છે. પ્રથમ તો આત્મા નથી, દેહ તે જ આત્મા એમ માનતો હતો તેને બદલે જેવું સદ્ગુરુએ કહ્યું તેમ જ “નિજપદ નિજમાંહી લહ્યું” એટલે આત્માને જ આત્મા માન્યો. દેહ ઇન્દ્રિયો પ્રાણ વગેરેને આત્મા માનતો હતો તે અજ્ઞાન દૂર થયું છે, મને દેહાધ્યાસ છૂટી ગયો છે એમ શિષ્ય કહે છે. (૧૧૯)
ભાસ્ય નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦
અર્થ :- પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી સ્પષ્ટ જુદું ભાસ્યું. (૧૨)
ભાવાર્થ :- બીજા નિત્ય પદની પ્રતીતિ કહે છે કે તે અપૂર્વ ભાન થવાથી પોતાનું સ્વરૂપ શુદ્ધ ચેતનારૂપ જણાયું છે; વૃદ્ધાવસ્થા, મરણ અને નાશ એ દેહના ઘર્મ છે અને આત્મા અજર, અમર, અવિનાશી, ચૈતન્યસ્વરૂપ નિત્ય પદાર્થ છે એવી શ્રદ્ધા થઈ છે. દેહ ને આત્માના ઘર્મ ભિન્ન સમજાયા તેથી જેમ નારિયેળમાં ગોળો જુદો ખખડે તેમ દેહથી આત્મા પર છે, તદ્દન ભિન્ન છે એમ અનુભવ થયો છે. (૧૨)
કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧
અર્થ - જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નયથી કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું છે; આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયો. (૧૨૧)