________________
૨૧૬
નિત્યનિયમાદિ પાઠ
પરિણમે છે તેમ શુદ્ધ ચેતના શુદ્ધ ચેતનારૂપે પરિણમે છે ત્યારે નિર્વિકલ્પ દશા હોય છે. (૧૨૨)
મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ અર્થ :— આત્માનું શુદ્ધપદ છે તે મોક્ષ છે, અને જેથી તે પમાય તે તેનો માર્ગ છે; શ્રી સદ્ગુરુએ કૃપા કરીને નિગ્રંથનો સર્વ માર્ગ સમજાવ્યો. (૧૨૩)
ભાવાર્થ :– મોક્ષ અને મોક્ષનો ઉપાય સમજાયો તે વિષે ટૂંકામાં કહે છે ઃ— આત્મા કર્મથી મલિન દેખાય છે. તે મલિનતા દૂર થાય તે જ મોક્ષ છે. આત્માની શુદ્ધતા જે રીતે થાય તે મોક્ષનો ઉપાય અથવા મોક્ષમાર્ગ છે. આત્માના જ્ઞાનદર્શનચારિત્રની નિર્મળતા થાય તે જ મોક્ષમાર્ગ ભગવાને કહ્યો છે, તે મોક્ષમાર્ગ આપે સમજાવ્યો છે. નિગ્રંથ માર્ગ=નિગ્રંથ ભગવાને કહેલો માર્ગ, શુદ્ધાત્મપ્રાપ્તિનો માર્ગ અથવા મોક્ષમાર્ગ જેમ છે તેમ સદ્ગુરુએ સમજાવ્યો. સદ્ગુરુનો ઉપકાર માનતાં શિષ્ય છયે પદનો સાર કહી બતાવ્યો.(૧૨૩)
અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યાં, અહો ! અહો ! ઉપકાર. ૧૨૪
અર્થ :– અહો ! અહો ! કરુણાના અપાર સમુદ્રસ્વરૂપ આત્મલક્ષ્મીએ યુક્ત સદ્ગુરુ, આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો. (૧૨૪)
ભાવાર્થ :– હવે આત્માનું પરમ હિત કરનાર સદ્ગુરુ પ્રત્યે અપૂર્વ ભક્તિ દર્શાવે છે :—