________________
૨૩૬
નિત્યનિયમાદિ પાઠ
ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬
અર્થ :— સદ્ગુરુઆજ્ઞા આદિ તે આત્મસાઘનનાં નિમિત્ત કારણ છે, અને આત્માનાં જ્ઞાન દર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે; તેથી ઉપાદાનનું નામ લઈ જે કોઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને ભ્રાંતિમાં વર્ત્યા કરશે, કેમ કે સાચા નિમિત્તના નિષેધાર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચાં નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચાં નિમિત્ત મળ્યે, તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થરહિત ન થવું; એવો શાસ્રકારે કહેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે. (૧૩૬)
ભાવાર્થ :— ઉપાદાન=આત્મા તે તો હું પોતે જ છું. વળી હું અસંગ છું. મારે ગુરુની કંઈ જરૂર નથી. પોતાની મેળે આત્મા પ્રાપ્ત કરી શકીશ એમ માને. વળી કેવળજ્ઞાન પણ આત્મામાં છે તેમાંથી બધું પ્રગટ થશે, એમ માનીને સદ્ગુરુનું અવલંબન છોડી દે, આજ્ઞાએ વર્તે નહીં તો તેને આત્માનું ભાન થાય નહીં. સમકિત ન થાય તેથી ભ્રાંતિ એટલે મિથ્યાત્વમાં જ વર્તે. પુસ્તકો વાંચીને આત્મા આત્મા કરે પણ સદ્ગુરુ-આજ્ઞા મળી ન હોય તેથી ભાવ તો સંસારમાં જ કોઈ ને કોઈ રીતે ખળી રહે, આત્મામાં રુચિ ન થાય. તેવા લોકો પાછા બીજાને ઉપદેશ આપે કે નિમિત્ત નિમિત્ત શું કરો છો ? બહુ વરસ ભક્તિ કરી, હવે પોતાની મેળે મંડી પડો ! એમ કહીને જ્ઞાનીનું અવલંબન છોડાવે.