________________
નિત્યનિયમાદિ પાઠ
ભાવાર્થ :— મોઢે આત્માની વાતો બોલે, ચોખ્ખું સોનું હોય તેને કાટ લાગે ? એમ બોલે. પરંતુ અંદરથી કષાયને જીત્યા નથી. મનમાં તો મોહની જ વાતો રમતી હોય. સંસારની મીઠાશ ગઈ ન હોય તે અંદર મેલો છે, મોહયુક્ત વર્તે છે. બહાર તો મોટો જ્ઞાની છું, એમ મનાવે અને અંત૨માં માયા અને પાપયુક્ત હોય તેને પામર કહ્યો. તેને જ્ઞાની પ્રત્યે દ્રોહ હોય. પોતાને જ્ઞાનની વાતો મોઢે બોલવી ઘણી ગમે, તે જ્ઞાનીની સમીપમાં છૂટથી ન બોલી શકે તેથી વિચારે કે જ્ઞાની ન આવે તો સારું. જ્ઞાની બોલે તે પણ તેને સાંભળવું ન ગમે, પોતાને જ બોલતાં આવડે છે તે બધાં સાંભળે એમ ઇચ્છે. કોઈ જ્ઞાની હોય તો વિચારે કે આ છે ત્યાં સુધી મારો ભાવ કોઈ નથી પૂછતું માટે એ જાય કે મરી જાય તો સારું ! જેમકે કુલવાળક મુનિએ ગુરુ પ્રત્યે વિચાર્યું હતું અને પથ્થર ગબડાવ્યો હતો. તેમ જ્ઞાની પ્રત્યે દ્રોહ થાય એટલે તેમની ઈર્ષા આવે, તેમનું ભૂંડું ઇચ્છે કે નિંદા કરે. જ્ઞાનીને તો તેના પ્રત્યે દયા જ હોય. ભગવાન મહાવીરને સંગમને ઉપસર્ગ કરતો જોઈને આંખમાં આંસુ આવ્યાં કે જેને નિમિત્તે તરાય તેને નિમિત્તે આ જીવ કર્મ બાંધે છે ! એમ જ્ઞાનીને સર્વ જીવ પ્રત્યે કરુણા હોય છે. ટૂંકામાં જેને જ્ઞાનની વાતો માત્ર મોઢે બોલવી ગમે છે અને તે પ્રમાણે આચરણ કરતો નથી, પોતાના અહંભાવ મમત્વભાવરૂપ મોહને પોષે છે અને નિમિત્તને છોડી દેવાનો ઉપદેશ કરે છે, તે જીવ વ્યવહારનો લોપ કરે છે. (૧૩૭)
૨૩૮
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮