________________
૨૩૯
આત્મસિદ્ધિશાસ્ત્ર અર્થ - દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રતા હોય, અર્થાત્ એ ગુણો વિના મુમુક્ષુપણું પણ ન હોય. (૧૩૮).
ભાવાર્થ - અંતરમાં મોહને રાખીને મોઢે જ્ઞાનની વાતો કરે તે મુમુક્ષુ નથી એમ કહ્યું, ત્યારે ખરેખરો મુમુક્ષુ કેવો હોય ? તે હવે કહે છે. જેને આત્માની ઝાંખી થઈ અને મોક્ષે જવાની ભાવના જાગી હોય તેનામાં નીચેના ગુણો અવશ્ય વિકાસ પામે–
૧. દયા–આત્મા છું એમ જાણ્યું પછી આત્માને કેમ બચાવવો તેનો વિચાર હોય. અનંતકાળથી જન્મમરણ કરી આત્માને દુઃખ દીધું છે. હવે તેની દયા ખાય કે જન્મમરણ કેમ ટળે? અન્ય જીવોને પણ જન્મમરણ ટળે એમાં જ તેમનું હિત છે એમ સમજે. પોતાને જે છૂટવાનાં સાધનો સત્સંગ વગેરે હિતકર લાગ્યાં છે તે બીજાને પણ રુચે એવી ભાવના રહે. શમ, સંવેગ, નિર્વેદ અને આસ્થા એ ચારેમાં અનુકંપા રહેલી છે. ક્રોઘાદિ શમાવે તે આત્માની અનુકંપા અર્થે હોય છે. મોક્ષની ભાવના થાય ત્યાં આત્માની અનુકંપા છે, સંસારનાં દુઃખથી ત્રાસ લાગે અને તેથી પાછો વળે તેમાં આત્માની અનુકંપા કારણ છે, આસ્થા એટલે સત્પરુષના વચનમાં તલ્લીનતા પણ આત્માની અનુકંપાપૂર્વક થાય છે. તેથી આત્માની દયા વિચારે ત્યાં શમ, સંવેગ, નિર્વેદ અને આસ્થા આવે.
અન્ય જીવોની રક્ષા કરવી તે પણ પોતાની જ દયાથી થાય છે. બીજા જીવોને દુઃખ દે તેટલું પોતાને ભોગવવું પડશે એ જાણે