________________
૨૧૮
નિત્યનિયમાદિ પાઠ
બોધદાન કરી મને આત્મજ્ઞાન પમાડી ઉચ્ચ દશાએ આણ્યો તેથી આપે મારા પર, ન મપાય એવો ઉપકાર કર્યો છે. તે ઉપકારનું મહત્ત્વ માપવા કે સમજવા જેટલી પણ મારી શક્તિ નથી. સદ્ગુરુનું એક વચન પણ જો યથાર્થ રીતે ગ્રહણ થાય તો ઠેઠ મોક્ષે લઈ જાય. તેથી સદ્ગુરુની કરુણા અને ઉપકાર અનંત છે. સત્પુરુષે આપણા પર કરેલો ઉપકાર વિચારવામાં પણ ઘણો લાભ છે. “તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે.’’ તેથી સદ્ગુરુનું સ્વરૂપ પણ અદ્ભુત અને તેમણે કરેલો ઉપકાર પણ અદ્ભુત છે.
સંસારમાં કોઈ ધંધે લગાડી આપે તો તેનો ઉપકાર જિંદગી સુધી યાદ કરે છે કે મને આણે આજીવિકાનું સાધન કરી આપ્યું; તો અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ કરતો આવ્યો છે તે ભ્રમણ કરતો અટકાવ્યો, સદ્ગુરુના યોગથી દિશા ફરી ગઈ, કર્મબંધ કરતો હતો તેથી અટક્યો, બહિર્મુખ હતો તેથી ફરીને અંતર્મુખ થયો, તે ઉપકાર, બુદ્ધિથી માપી ન શકાય તેવો છે. આ ક્યારે મનાય ? પોતાની પામરતાનું ભાન થાય ત્યારે તે પુરુષનો
ઉપકાર સમજાય.
વીસ દોહામાં પણ ‘હું પામર શું કરી શકું ?' એ વિચારતાં પછી “અચિંત્ય તુજ માહાત્મ્યનો” એ ખ્યાલ આવે છે. પ્રભુતા પામવાનો માર્ગ લઘુતા છે. વાસણ ઊભું હોય એટલું પાણી ભરાય. પ્રભુશ્રીજી કહેતા કે અમે બધા મુમુક્ષુની છેડે જઈને બેઠા છીએ. અમારું લઘુ નામ સારું છે. તેથી અમે ગમે તેમ બોલીએ તોપણ કંઈ નહીં. માન જાય તો વિનય આવે.