________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૨૭
કરો. “જો મોક્ષને ઇચ્છે છે તો સંકલ્પવિકલ્પ રાગદ્વેષને મૂક.'' (૩૭) એ જ સત્પુરુષાર્થ છે. જો ખરેખર મોક્ષ જોઈતો જ હોય તો આ પુરુષાર્થ કર, એમાં કંઈ તને હાનિ થવાની છે ? વિચારે તો જણાય કે એ જ કરવા જેવું છે. આ પુરુષાર્થ થતો નથી, કારણ કે ખરી ઇચ્છા નથી થઈ. આ જ કરવું છે એમ નક્કી થાય તો કામ કરવા તૈયાર થાય. ઇચ્છા બળવાન હોય તો ઉપાય જરૂર કરે. સાચી ઇચ્છા હોય તો એનો જ વિચાર આવે, એમાં જ તલ્લીનતા રહે, એની જ ચિંતા હોય. જગતમાં ઘણાને મોક્ષની ઇચ્છા હોય છે અને તે માટે ધર્મ કરે છે એમ માને છે પરંતુ તેમને ખરો મોક્ષ સમજાયો હોતો નથી. મોક્ષની સાચી ઇચ્છા થવા જ્ઞાનીના સમાગમની જરૂર છે. જ્ઞાની ન મળે ત્યાં સુધી સંસારનાં સુખ મળે એવી મોક્ષની કલ્પના હોય છે. ડોશીમા રોજ મોક્ષ માગતાં હતાં પરંતુ પાડી મરી ગઈ ત્યારે કોઈ કહે કે મોક્ષ માગતાં હતાં તે ભગવાને મોક્ષ આપવાની શરૂઆત કરી છે તો ડોશીમા કહે, મારે એવો મોક્ષ નથી જોઈતો. સત્પુરુષનો યોગ થાય ત્યારે જ મોક્ષની સાચી જિજ્ઞાસા જાગે. મોક્ષ એટલે આત્માની શુદ્ધતા. કર્મના ત્રાસથી છૂટવું તે સમજાય અને ત્યાર પછી મોક્ષ મેળવવાની સાચી ઇચ્છા પ્રગટે. જ્ઞાનીએ કહી છે એવી વસ્તુરૂપ પરમાર્થની ઇચ્છા હોય તો ખરી દાઝ રાખીને પુરુષાર્થ કરે. તે બીજાને બતાવવા નહીં પરંતુ પોતાને માટે.
નિશ્ચય થયો ત્યાં અર્ધું કામ થઈ ગયું. સમકિત એ નિશ્ચય છે. સમકિત થયું પછી કર્મ ખપાવવાનાં બાકી રહ્યાં. તે ખપાવવા હવે મંડી પડે. સમિત થયા પછી જે પુરુષાર્થ થાય છે તે મોક્ષમાર્ગમાં જીવને આગળ વધારે છે. થોડું આયુષ્ય છે તેમાં