________________
૨૧૨
નિત્યનિયમાદિ પાઠ આત્મા દેહથી ભિન્ન છે એ વિષે સદ્ગુરુ પાસેથી સારી રીતે સાંભળ્યું હોય, બીજાને કહી પણ બતાવતો હોય, છતાં જ્યાં સુધી દેહથી આત્મા ભિન્ન છે તેની ભાવના કરે નહીં ત્યાં સુધી શુદ્ધ આત્માનો અનુભવ એટલે સમતિ થાય નહીં અને મોક્ષને યોગ્ય તે જીવ થાય નહીં. જેવી રીતે પોતાના શુદ્ધાત્માની ભાવના કરવાની છે તેવી રીતે બધા દેહદારી આત્માઓ દેખાય છે તેમનું સ્વરૂપ પણ નિશ્ચયથી સિદ્ધ સમાન છે એમ સમજવું જોઈએ. વરસાદનું પાણી નિર્મળ હોય છે; કૂવા, ખાબોચિયા, ખાઈનું પાણી વિશેષ વિશેષ મલિન હોય છે. પરંતુ તે સર્વમાં પાણી તો તે જ છે. મેલના ભળવાથી ભેદ દેખાય છે. ખાઈનું મેલું પાણી પણ જો ઉકાળીને તેની વરાળ ઠારવામાં આવે તો નિર્મળ પાણી પ્રાપ્ત થાય, તેમ સંસારના જીવો કર્મ સહિત હોવાથી ભિન્ન ભિન્ન દેખાવ આપે છે, છતાં જો કર્મ પ્રત્યે દ્રષ્ટિ ન આપીએ તો દરેક જીવમાં સિદ્ધની શક્તિઓ અવ્યક્તપણે રહી છે. એમ પોતાનું તથા પરનું શુદ્ધ સ્વરૂપ વિચારી તેનો સાક્ષાત્કાર કરવા પુરુષાર્થ કરે તો રાગદ્વેષ અજ્ઞાન જાય અને કર્મનો ક્ષય થઈ મોક્ષ પ્રાપ્ત થાય. (૧૧૭)
નિશ્ચય સર્વે જ્ઞાનનો, આવી અત્ર સમાય; ઘરી મૌનતા એમ કહીં, સહજ સમાધિમાંય. ૧૧૮
અર્થ - સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને સમાય છે; એમ કહીને સદ્ગુરુ મીનતા ઘરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત્ વાણીયોગની અપ્રવૃત્તિ કરી. (૧૧૮) | ભાવાર્થ - અનંત જ્ઞાની પુરુષો થઈ ગયા. તેમણે પોતે શુદ્ધાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે અને તે શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત