________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૧૧ દેહમાંથી નીકળી બીજા દેહમાં ગયો પરંતુ કોઈ દેહમાં એકાકાર થયો નથી. તેના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ છૂટો પડતો નથી. તેથી ટંકોત્કીર્ણ ચૈતન્યઘન છે. તેની જ્ઞાનજ્યોતિ કોઈ પ્રગટાવે ત્યારે પ્રગટે તેવી નથી પરંતુ તે સ્વયંપ્રગટ જ છે. અનાદિ અનંત અખંડપણે પોતે પ્રકાશે છે. જ્ઞાન વડે અન્ય પદાર્થો જાણે છે તેવી રીતે પોતાના સ્વરૂપને પણ જાણી શકે છે. સુખ એ આત્માનો સ્વભાવ જ છે. જે સુખ જ્ઞાની અનુભવે છે તે કોઈ બાહ્ય નિમિત્તને આઘીન નથી. આત્મા પોતે જ સુખરૂપ છે, સુખનું ધામ છે. આત્મા સિવાય બીજે ક્યાંય સુખ રહેતું નથી. તે સ્વાધીન સુખ છે તેનો કોઈ કાળે અંત થતો નથી. પોતાથી જ પોતે સુખી સંતોષી રહી શકે છે, તેથી મોક્ષમાં કોઈ બાહ્ય પદાર્થનો સંબંધ નહીં છતાં તે સંપૂર્ણ સુખી છે. આવું આત્માનું અભુત સ્વરૂપ છે. આત્માની વિભૂતિઓ અનંત છે તેનું વર્ણન કર્યું પાર આવે નહીં. પરંતુ અત્યારે અજ્ઞાનને લઈને દેહાદિમાં અહંભાવ થઈ ગયો છે તે તેનાં લક્ષણો વિચારી ભેદજ્ઞાન કરે, તો આત્માનું શુદ્ધ સ્વરૂપ અનુભવમાં આવે. તે શુદ્ધ સ્વરૂપનો વિચાર, તેની જ ઇચ્છા, ભાવના, રુચિ કરે તો તે અવશ્ય પ્રાપ્ત થાય.
સદ્ગુરુએ જે કહેવાનું હતું તે બધું કહી દીધું. હવે એ વિચારવું, પોતાની સમજણ ફેરવવી, શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી એ શિષ્યનું કામ છે તેથી કહ્યું કે “કર વિચાર તો પામ.” સમાધિશતકમાં કહ્યું છે –
शृण्वन्नप्यन्यतः कामं वदन्नपि कलेवरात् । नात्मानं भावयेद् भिन्नं यावत् तावन्न मोक्षभाक् ।।