________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૭૩ જેમ દોરડાથી ગાયને બાંઘી હોય ત્યાં દોરડાની ગાંઠ દોરડા સાથે જ હોય છે, ગાય સાથે ગાંઠ પડતી નથી, તેમ કર્મ વડે કર્મ બંઘાય છે ? કર્મનો કર્તા કર્મ જ છે ? અથવા કર્મ કરવાં તે આત્માનો સહજ સ્વભાવ છે? એટલે કે હંમેશ કર્મ થયા જ કરે એવો તેનો સ્વભાવ છે ? જેમકે કોઈ કંઈ કર્યા વગર નિષ્ક્રિય રહી ન શકે, કંઈ ન કરે તો છેવટે શ્વાસોચ્છવાસ તો ચાલશે. અથવા કર્મ કરવાં એ આત્માનો ઘર્મ હંમેશ રહેનારો ગુણ છે ? તેથી યજ્ઞ આદિ કરે, દેવલોકે જાય, વળી મનુષ્ય થાય અને કર્મ કરે એમ થયા કરે અને મોક્ષ થાય નહીં. (૭૧)
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંઘ;
અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંઘ. ૭૨
અર્થ - અથવા એમ નહીં, તો આત્મા સદા અસંગ છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કર્મનો બંઘ કરે છે; તેમ નહીં, તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઈશ્વરેચ્છારૂપ હોવાથી જીવ તે કર્મથી “અબંઘ છે. (૭૨)
ભાવાર્થ - એક મત આત્મા–પુરુષને અસંગ માને છે અને જડ=પ્રકૃતિ કર્મ બાંધે છે તે આત્મા ભોગવે છે એમ માને છે. બીજા એમ માને છે કે ઈશ્વર એક છે તેણે ચરાચર જગત રચ્યું છે. જગતનાં કાર્યો તે ઈશ્વરની ઇચ્છા મુજબ, તેની પ્રેરણાથી થાય છે. જો એમ હોય તો પણ આત્મા કર્મનો કર્તા કહેવાય નહીં. (૭૨)
માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩