________________
૨૦૬
નિત્યનિયમાદિ પાઠ ધ્યાનમાં ન રહેવાય ત્યારે સ્વાધ્યાયમાં રહે, પાછા ધ્યાનમાં આવે. એમ આત્માની સ્થિરતા થતાં થતાં કર્મ ખપાવે. પછી આત્માનું બળ વઘતાં એક સાથે બે ઘડી સુધી આત્મામાં સ્થિર રહી શકે અને શ્રેણી માંડે તેમાં સત્તામાં રહેલાં ઘાતિયાં કર્મ ખપી જાય. ચારિત્રમાં સ્થિરતા કરતાં કરતાં, વિભાવમાંથી સ્વભાવમાં આવતાં આવતાં ફરી વિભાવમાં જવાનું ન રહે. સદાને માટે આત્મામાં સ્થિરતા થાય તે યથાખ્યાત ચારિત્ર અથવા વીતરાગ દશા છે. (૧૧૨)
કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીંએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩
અર્થ :- સર્વ આભારહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. (૧૧૩)
ભાવાર્થ – તે વીતરાગ દશાનું ફળ કેવળજ્ઞાન છે. તેમાં આત્મસ્વભાવનો સંપૂર્ણ અનુભવ અખંડ રહે છે. ઉપયોગ આત્મામાં સ્થિર થયો છે. પછી ચાર અઘાતિયાં કર્મ (નામ, ગોત્ર, વેદની, આયુષ્ય) રહ્યાં હોવાથી દેહદારીપણું છે. છતાં આત્માનું જ્ઞાન, દર્શન, સમકિત ને વિર્ય તો સિદ્ધ ભગવાન જેવું જ છે. તેથી તેઓ દેહઘારી ભગવાન છે. (૧૧૩)
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪