________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૯૭ ઘટતાં આત્મા પ્રાપ્ત કરવા પુરુષાર્થ વિશેષ વિશેષ થાય. એમ કરતાં સમકિત થવાનો વખત આવે ત્યારે લૌકિક માન્યતાઓને દૂર કરીને યથાપ્રવૃત્તિકરણમાં આવે. પછી ભાવની અત્યંત શુદ્ધિ કરીને અપૂર્વ ભાવને પ્રાપ્ત થાય ત્યાં પરિણામ સમયે સમયે શુદ્ધ થતાં જાય. ઘણાં કર્મ ઉદયમાં આવે તેને દૂર કરે તેમાં મુઝાઈને પાછો ફરે નહીં તે અનિવૃત્તિકરણ એમ (શ્રેણીમાં) ઘણાં કર્મ (ખપાવી નાંખે) હલકાં કરી નાંખે તેથી દર્શનમોહ આદિ બે ઘડી સુધી ઉપશમી જાય ત્યારે સમકિત થાય. આવી રીતે સત્પરુષના બોઘને અનુસરીને કષાયરહિતપણે આત્માનું પરિણમન કરવું એ જ કર્મક્ષય અથવા મોક્ષ થવાનો અચૂક ઉપાય છે. એટલે કે સદ્ગુરુનો બોઘ પરિણમે અને વિતરાગતા આવે તો મોક્ષ અવશ્ય થાય જ. (૧૦૩)
કર્મબંઘ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? ૧૦૪
અર્થ - ક્રોધાદિ ભાવથી કર્મબંઘ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે; અર્થાત્ ક્ષમા રાખવાથી ક્રોઘ રોકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લોભ રોકી શકાય છે; એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષથી તે તે દોષો રોકી શકાય છે, તે જ કર્મબંઘનો નિરોધ છે; અને તે જ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે, અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધાદિ રોક્યાં રોકાય છે, અને જે કર્મબંઘને રોકે છે, તે અકર્મ દશાનો માર્ગ છે. એ માર્ગ પરલોકે નહીં, પણ અત્રે અનુભવમાં આવે છે, તો એમાં સંદેહ શો કરવો ? (૧૦૪).