________________
૧૯૨
નિત્યનિયમાદિ પાઠ
શુદ્ધ આત્મભાવ તે જ પોતાનું ઘર છે. ત્યાં જ સ્થિતિ કરવાની છે. તે જ્ઞાનસ્વરૂપ છે. કર્મ સાથે એકતા કરાવનારો અજ્ઞાનભાવ છે. એને અંધકાર સાથે સરખાવ્યો છે કે જેમ અંધકારમાં એકનું બીજું દેખાય છે, ભૂલ થાય છે, ભય લાગે છે, તેમ આત્માને પરમાં એકતા કરી વર્તવાથી પદાર્થો છે તેથી વિપરીત જણાય છે, રાગદ્વેષ થાય છે, અને સંસારભ્રમણનો ભય ઉપસ્થિત થાય છે. જેમ પ્રકાશ આવે તો અંઘકાર નાશ પામે અને પદાર્થો છે તેમ જણાય અને સર્વ ભય ટળી જાય તેવી રીતે સમકિત એટલે ‘હું શુદ્ધાત્મસ્વરૂપ છું' એવો અનુભવ થતાં દેહ અને રાગાદિ સાથેની એકતા ટળી જાય છે. પોતાના શુદ્ધસ્વરૂપમાં સ્થિર થતાં કર્મ બંધાતા નથી, તેથી સંસારનો ભય ટળી જાય છે. (૯૮)
જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. ૯૯
અર્થ :— જે જે કારણો કર્મબંધનાં છે, તે તે કર્મબંધનો માર્ગ છે; અને તે તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે, ભવનો અંત છે. (૯૯)
ભાવાર્થ :– કર્મ બંધાય એ રીતે વર્તવું તે બંધ એટલે સંસાર પરિભ્રમણનો માર્ગ છે. આસ્રવનાં ૫૭ દ્વાર કહ્યાં છે તે બધાં કર્મબંધનાં કારણ છે, તેમાં ૫ મિથ્યાત્વ, ૧૨ અવિરતિ, ૨૫ કષાય, ૧૫ યોગ આવે છે. આ ૫૭ કારણોને રોકીને પ્રમાદરહિતપણે આત્મસ્વરૂપમાં વર્તે એવી જે દશા તે જ સંવર અથવા મોક્ષનો માર્ગ છે. અને મોક્ષમાર્ગમાં વર્તે ત્યાં સંસારનો ક્ષય થાય છે. (૯૯)