________________
૧૯૩
આત્મસિદ્ધિશાસ્ત્ર રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦
અર્થ - રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અર્થાત્ એ વિના કર્મનો બંઘ ન થાય; તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. (૧૦૦)
ભાવાર્થ - કર્મબંઘનાં ઉપર કહ્યાં તે બઘાં કારણો ટૂંકામાં રાગદ્વેષરૂપ ચારિત્રમોહનીય અને આત્માના અજ્ઞાનરૂપ દર્શનમોહનીય એટલે રાગદ્વેષ અને અજ્ઞાનમાં સમાઈ જાય છે. મોહનીય કર્મના ઉદયમાં આત્માના જે તન્મય ભાવ થાય તે જ બંઘનું મુખ્ય કારણ છે. કર્મ તો પૂર્વે બાંઘેલાં ઉદય આવે પરંતુ આત્મા જો તેમાં તન્મયપણે ન પરિણમે, પોતાના સ્વરૂપમાં સ્થિર રહે, જુદો રહે, રાગદ્વેષ ન કરતાં સમભાવમાં વર્તે તો જૂનાં કર્મની ગાંઠ છૂટી જાય ને નવા બંઘ ન પડે. કર્મબંઘન કરાવનારમાં મુખ્ય પરવસ્તુ પ્રત્યેનો રાગભાવ છે. જો રાગ ન કરતાં ઉદાસીનતા રાખે તો તે વસ્તુ નિમિત્તે દ્વેષ પણ ન થાય. રાગ અને દ્વેષ બન્ને આત્માને ભુલાવી પરવસ્તુમાં તન્મય કરાવનારાં હોવાથી આત્માને કર્મની સાથે ગાંઠ બંધાવનારા છે. અજ્ઞાન એટલે મિથ્યાત્વ છે તે પરમાં પોતાપણાની ભ્રાંતિ કરાવે છે. રાગદ્વેષ અને અજ્ઞાન જવા કર્મના ઉદયમાં ન તણાતાં સર્વ પરવસ્તુથી ભિન્ન એવું પોતાનું સ્વરૂપ ઓળખવું અને તેમાં સ્થિર થવું તો આત્મા કર્મથી છૂટે. એ જ મોક્ષનો માર્ગ છે. (૧૦૦)
આત્મા સત ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. ૧૦૧