________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૫૩ સ્થાન છે. એનો વિચાર કરતાં સમકિત થાય. આમાં છ દર્શનની વાત પણ સાથે સાથે આવી જશે. તે છ દર્શનમાં મતભેદ કરીને જુદા જુદા ઘર્મવાળા ઝઘડો કરે છે તેમ ન થવા અહીં તો માત્ર પરમાર્થ શુદ્ધાત્મા સમજાય તે અર્થે જ જ્ઞાની પુરુષે બોઘ કર્યો છે. મતભેદમાં ન પડતાં એક આત્મા તરફ વાંચનારનું લક્ષ જોડાય એ હેતુથી આત્મસિદ્ધિની રચના છે. કોઈ આત્મા નથી એમ માને છે. તેનું નિરાકરણ પ્રથમ પદથી કર્યું છે. કોઈ આત્માને ક્ષણિક માને છે તેનું નિરાકરણ બીજા પદથી કર્યું છે. કેટલાક “કર્તા નથી, ભોક્તા છે” એમ માને છે તેનું નિરાકરણ ત્રીજા પદથી, તથા કોઈ તો કર્તા ભોક્તા નથી, કર્મ જ નથી એમ માને છે તેનું નિરાકરણ ચોથા પદથી કર્યું છે. વળી કોઈ મોક્ષ નથી એમ માને છે તેનું નિરાકરણ પાંચમા પદથી કર્યું છે. જેઓ આત્મા, કર્મ કે મોક્ષને માનતો નથી તેઓ મોક્ષનો ઉપાય પણ માનતા નથી. અહીં છયે દર્શનની શંકાઓનું નિરાકરણ કરીને શુદ્ધાત્માની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. (૪૪)
(૧) શંકા-શિષ્ય ઉવાચ નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫
અર્થ :- દૃષ્ટિમાં આવતો નથી, તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી, તેમ સ્પર્શાદિ બીજા અનુભવથી પણ જણાવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી; અર્થાત્ જીવ નથી. (૪૫)