________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૬૩
(૨) શંકા-શિષ્ય ઉવાચ આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯
અર્થ - આત્માના હોવાપણા વિષે આપે જે જે પ્રકાર કહ્યા તેનો અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય છે. (૫૯)
ભાવાર્થ – સરુએ આત્માના હોવાપણા માટે જે વિચારો દર્શાવ્યા તેને ઊંડા ઊતરી વિચારવાથી શિષ્યને તે સત્ય લાગ્યા. દરેક પદની શંકા ને તેનું સમાધાન અંતરંગમાં ઝીણવટથી વિચારી “આત્મા છે' એની ખાતરી કરી લેવી. અનુભવપૂર્વક દૃઢ શ્રદ્ધા થાય તો બીજા જન્મમાં પણ, કોઈ કાળે પણ ફરે નહીં. (૫૯)
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ૬૦
અર્થ - પણ બીજી એમ શંકા થાય છે, કે આત્મા છે તોપણ તે અવિનાશ એટલે નિત્ય નથી; ત્રણે કાળ હોય એવો પદાર્થ નથી, માત્ર દેહના સંયોગથી ઉત્પન્ન થાય, અને વિયોગે વિનાશ પામે. (૬૦) | ભાવાર્થ – હવે આત્મા નિત્ય નથી, ક્ષણિક છે એ શંકા ઋજુસૂત્ર નયના બે ભેદે કરી છે. એક સ્થળ ભવ પર્યાયની અપેક્ષાએ અને બીજી સૂક્ષ્મ સમયે સમયે પલટાતા પર્યાયની અપેક્ષાએ. પ્રથમ એવો મત કહ્યો કે આત્મા પંચભૂત રૂપ દેહના સંયોગથી ઊપજે છે અને પંચભૂત વિપરાતાં નાશ પામે છે. (૬૦)