________________
આત્મસિદ્ધિશાસ્ર
૧૬૭
હંમેશાં જલકમલવત્ અસ્પર્ય છે. તેને જડની સાથે મળવાપણું, એક થવાપણું છે જ નહીં. (૬૪)
જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ૬૫
અર્થ :— જડથી ચેતન ઊપજે, અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એવો કોઈને ક્યારે કદી પણ અનુભવ થાય નહીં. (૬૫)
ભાવાર્થ :— “દેહયોગથી ઊપજે, દેહ વિયોગે નાશ”– તેના ઉત્તરમાં કહે છે કે જડથી ચેતન ઊપજે ને ચેતનમાંથી જડ બને એવો અનુભવ કોઈ કાળે કોઈને પણ થાય નહીં. (૬૫)
કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬
અર્થ :— જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિષે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ ‘‘નિત્ય'' છે. (૬૬)
ભાવાર્થ :— જન્મ્યું તે મરે, જે ઉત્પન્ન થાય તે જ નાશ થાય એવો નિયમ છે તેને આધારે કહે છે કે આત્મા સંયોગથી ઉત્પન્ન થયો નથી તેથી તેનો નાશ થઈ અન્ય દ્રવ્યરૂપે વીખરાઈ જાય એમ પણ બનતું નથી. આ જ વાત ફરીથી ૭૦ મી ગાથામાં કહી છે. (૬૬)
ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવનિત્યતા ત્યાંય. ૬૭